લાખો પાટીદારો જે ધાર્મિક-સામાજિક સંગઠનના નેજા હેઠળ એક થયા છે, તથા એકઠા થતાં રહ્યા છે અને અનેક વિશ્વવિક્રમો સર્જાયા છે તે કાગવડ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન પદેથી નરેશભાઈ પટેલે રાજીનામુ આપ્યાની વાત આજે સોશ્યલ મિડીયામાં વાયરલ થયા બાદ પાટીદારોએ આ વાતથી નારાજ થઈને રાજીનામુ પાછુ ખેંચવાની માંગ સાથે ખોડલધામ મંદિર પાસે તથા સૌરાષ્ટ્રમાં ઠેરઠેર કાર્યક્રમો જાહેર કર્યા છે.
તો બીજી તરફ રાજીનામા મુદ્દે ટ્રસ્ટના પ્રમુખ પરેશ ગજેરાનો સંપર્ક સાધતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં આ વાતને નકારી કાઢી હતી. જો ખોડલધામના પ્રમુખની વાત સાચી હોય તો ખોડલધામના સર્વેસર્વા અંગે આવી વાતો વારંવાર કોણ અને શા માટે ફેલાવે તે ચર્ચાનો વિષય બન્યો હતો.
પ્રમુખે જણાવ્યું કે નરેશભાઈ અમારા સર્વેસર્વા હતા, છે અને રહેશે. આ બાબતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન પદેથી પોતાના રાજીનામા અંગેની વાત વેરીફાઈ કરવા નરેશભાઈ પટેલનો વારંવાર ફોન પર સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો પણ ફોન નિરુત્તર રહ્યો હતો. તો બીજી તરફ પાટીદાર સમાજના અનેક આગેવાનોએ રાજીનામાની વાતને તથ્યવાળી કહીને નરેશભાઈ રાજીનામુ પાછુ ખેંચે તેવી લાગણી અને માંગણી સાથે આજે ખોડલધામ ખાતે પણ કાર્યક્રમ યોજાયો છે.
રાજકોટ સહિત અન્યત્ર પણ આવા કાર્યક્રમો યોજાયા છે અને પાટીદાર સમાજની લાગણી એવી છે કે નરેશભાઈ પોતે જ રાજીનામુ પાછુ ખેંચવાની જાહેરાત કરે. જો કે આજે આખરે નરેશ પટેલે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે. અને એ વાત સ્પષ્ટ થઇ ગઈ છે કે રાજકોટમાં પાટીદારોની સૌથી મોટી તાકાત ગણાતા ખોડલધામમાં રાજીનામાનું રાજકારણ રમાઈ રહ્યું હતુ જેમાં નરેશ પટેલનું રાજીનામું પાછુ ખેંચી લેવાથી પડદો પડી ગયો છે. જો કે હજુ સુધી નરેશ પટેલે રાજીનામું કેમ આપ્યું હતુ તે હજુ સુધી સ્પષ્ટ નથી થયુ. ગઈકાલ સાંજે અચાનક નરેશ પટેલે રાજીનામું આપ્યુ હતુ જેને પગલે સમર્થકોના રાજીનામાંનો સિલસિલો શરૂ થયો હતો.