અમદાવાદ: ભાજપના મહિલા નેતા અને એક સમયે હાર્દિક પટેલના સાથી રહી ચુકેલા રેશ્મા પટેલે ભાજપ પર ફરી તંજ તાક્યો છે. ઉંઝા બેઠકના કોંગ્રસના ધારાસભ્યપદેથી અને કોંગ્રેસના સભ્યપદેથી આજે આશ્ચર્યજનક રીતે રાજીનામુ ધરી દેનાર ડો. આશાબેન પટેલને સલાહ આપતા રેશમા પટેલે વણમાંગી શીખ આપતાં જણાવ્યું છે કે, જા તમારે જીહુજૂરી કરવી હોય તો જ ભાજપમાં જોડાજો, બાકી વિરોધ પક્ષમાં રહી લોકોના કામ કરો તો સારું.
આખાબોલી અને સ્પષ્ટવકતા રેશ્મા પટેલે સાફ શબ્દોમાં જણાવ્યું કે, હું આશાબેનને એટલું ચોક્કસ કઇશ કે તમે તાનાશાહોની મારી ભાજપા પાર્ટીમાં જોડાવા ઇચ્છતા હોય તો રોકાઈ જજો.
લોકોના કામ કરવા ભાજપ નથી માત્ર તાનાશાહોના કામ અને જીહજૂરી કરવા માંગતા હોય તો જ જોડાજો, કારણકે તમે વિરોધ પક્ષમાં રહી જે લોકોનાં કામ કરી શકશો એ ભાજપામાં નહીં કરી શકો. આશાબેન તમારી આશા પર પાણી ફરશે એ દાવા સાથે કહું છું. ભાજપનાં ધારાસભ્યોની હાલત તો કહેવાતુ પણ નથી અને સહેવાતુ પણ નથી એવી છે. વિરોધ પક્ષનાં નેતાઓ લોકોના કામ કરવા માટે બુમો તો પાડી શકે છે, ભાજપમાં તમે કંઇ કરી શકશો નહીં. રેશમા પટેલે પોતાના કડવા અનુભવોની યાદ તાજી કરી આજે ડો.આશાબહેન પટેલને સલાહ આપી ભાજપમાં નહી જાડાવા અને કોંગ્રેસમાં જ રહી વિરોધપક્ષની સારી ભૂમિકા અદા કરવા અનુરોધ કર્યો હતો.