નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હમેંસા સાહસી નિર્ણય લેવા માટે જાણીતા રહ્યા છે. નોટબંધી, જીએસટી અને સર્જિકલ સ્ટ્રાઇક બાદ હવે આર્થિક રીતે નબળા સવર્ણ લોકોને ૧૦ ટકા અનામત આપવા સાથે સંબંધિત બિલ બે દિવસમાં તો પાસ પણ કરી લેવામાં આવ્યુ છે. ઉચ્ચસ્તરીય સુત્રોએ કહ્યુ છે કે બંધારણમાં સુધારા કરનાર બિલ માટે પ્રસ્તાવ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા માત્ર એક દિવસમાં જ તૈયાર કરી લેવામાં આવ્યો હતો.
આ સંબંધમાં કેન્દ્રિય પ્રધાનોને પણ માહિતી આપવામાં આવી ન હતી. માનવામાં આવે છે કે ત્રણ રાજ્યોમાં પાર્ટીની હાર થયા બાદ પોતાની વોટ બેંકને ખુશ કરવા માટે મોદીએ એકાએક આ માસ્ટર સ્ટ્રોક રમી કાઢ્યો છે. સુત્રોએ કહ્યુ છે કે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા સોમવારના દિવસે કેબિનેટની બેઠક માટે નોટ તૈયાર કરી હતી. આને કેન્દ્રિય પ્રધાનોને પણ દર્શાવવામાં આવી ન હતી. એક વરિષ્ઠ મંત્રીએ માહિતી આપતા કહ્યુ છે કે સરકાર બંધારણીય સુધારા બિલ રજૂ કરવાની યોજના બનાવી રહી ન હતી. નિર્ણય સર્વોચ્ચ સ્તર પર લેવામાં આવ્યો હતો. મંત્રાલયને એક પ્રસ્તાવ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. મંત્રાલય દ્વારા પ્રસ્તાવ તૈયાર કરવા માટે આર્થિક રીતે પછાત વર્ગની પરિભાષા માટે પહેલાથી આપવામાં આવેલા માપદંડનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેને કેબિનેટની મંજુરી મળી ગઇ હતી.
આ બિલ મારફતે મોદી સરકારે ઉપરની જાતિઓની પોતાની વોટ બેંકનેખુશ કરવાના પ્રયાસ કર્યા છે. સાથે સાથે ભાજપે ફરી એકવાર કોંગ્રેસ પર આ મુદ્દાના કારણે લીડ મેળવી લીધી છે. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ સરકારની પ્રથમ અવધિ દરમિયાન સવર્ણો સાથે સંબંધિત અનામત પર સુચન કરવા માટે જનરલ એસઆર સિન્હોના નેતૃત્વમાં વર્ષ ૨૦૦૬માં એક કમિટી બનાવી હતી. આ કમિટિએ પોતાની રિપોર્ટ વર્ષ ૨૦૧૦માં સોંપી હોવા છતાં સરકારો આ રિપોર્ટને અમલી કરવામાં નિષ્ફળ રહી હતી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં હાર થયા બાદ ભાજપને આ પ્રકારના પગલા લેવાની જરૂરિયાત દેખાઇ રહી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય કેબિનેટે સોમવારના દિવસે ઉચ્ચ સવર્ણ જાતિઓના આર્થિકરીતે નબળા લોકો માટે ૧૦ ટકા અનામતને લીલીઝંડી આપી હતી.
ગરીબ સવર્ણો માટે સરકારી નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામતના પ્રસ્તાવને લીલીઝંડી આપી હતી.કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી હતી. કેન્દ્ર સરકાર અનામતની આ નવી ફોર્મ્યુલાને લાગૂ કરવા માટે અનામતના ક્વોટાને વધારવાની હિલચાલ ધરાવે છે. ભારતીય બંધારણમાં આર્થિક આધાર પર અનામતની કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં સરકારની પાસે ગેમચેન્જર ગણાતી આ હિલચાલને અમલી કરવા માટે બંધારણીય સુધારાનો એકમાત્ર રસ્તો રહેલો છે. અનામત ક્વોટા ૪૯.૫ ટકાથી વધારીને ૫૯.૫ ટકા કરવામાં આવશે જેના ભાગરુપે ૧૦ ટકા ક્વોટાને આર્થિકરીતે નબળા વર્ગને આવરી લેવા માટે રહેશે.
લાંબા સમયથી આર્થિકરીતે નબળા સવર્ણો માટે અનામતની માંગ કરવામાં આવી રહી હતી. જે લોકોની પારિવારિક આવક ૮ લાખ રૂપિયાથી વાર્ષિક ઓછી છે તે લોકોને આનો ફાયદો થશે. આની સાથે સાથે શહેરમાં ૧૦૦૦ સ્કેવરફુટથી નાના મકાન અને પાંચ એકરથી ઓછી કૃષિ જમીનની શરત પણ આમા ઉમેરવામાં આવી છે.લોકસભામાં મંગળવારના દિવસે લાંબી ચર્ચા બાદ મતદાન થયુ હતુ. જેમાં બહુમતિ સાથે આ બંધારણીય સુધારા બિલ પાસ કરવામાં આવ્યુ હતુ.