વાંચક મિત્રો તરફથી ગણતંત્ર પર્વ વિશેષ શ્રેણીને મળી રહેલા અદભૂત પ્રતિસાદ ખબરપત્રી ટીમને પ્રકારના લેખ રજૂ કરવા માટે પ્રોત્સાહન પુરૂં પાડે છે. આપ સૌ વાંચક મિત્રોનો પ્રશાંત સાળુંકે તથા ખબરપત્રી ટીમ આભાર વ્યક્ત કરે છે.
તો આપણા દેશ ભારતના રાષ્ટ્રીય પ્રતિકો વિશે ખબરપત્રી પર વિશેષ રજૂ થઇ રહેલી આ ગણતંત્ર પર્વ વિશેષ શ્રેણીને આગળ વધારતા ભાગ-ર માણીયે.
આ શ્રેણીનું સંકલન અને લેખન વડોદરાના રહેવાસી જાણીતા લેખક પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે દ્વારા કરવામાં આવ્યું છે.
(૪) રાષ્ટ્રીય ધ્વજ ગીત :- ઝંડા ઊંચા રહે હમારા
સુવિખ્યાત ઝંડા ગીતની રચના કાનપુરના શ્યામલાલ ગુપ્ત “પાર્ષદ”જી એ કરી હતી.
વાત એમ બની હતી કે જયારે આઝાદી સુનિશ્ચિત થઇ ગઈ હતી ત્યારે તે વેળાએ કોંગ્રેસે દેશના ઝંડાની પસંદગી કરી હતી. હવે તેઓને એક અલગ ઝંડા ગીતની જરૂરિયાત મહસૂસ થઇ. ગણેશ શંકર “વિધાર્થી” જે પાર્ષદજીના કાવ્ય કૌશલ્યને સારી પેઠે જાણતા હતા તેમણે પાર્ષદજીને એક ઝંડાગીત લખવાનો અનુરોધ કર્યો. પાર્ષદજી ઘણા દિવસો સુધી પ્રયત્નો કરતા રહ્યા, પરંતુ તેઓ ગીત રચી શકાય નહિ. છેવટે વિધાર્થીજી એ પાર્ષદજીને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે “કાલે સવારે મને ગમે તે હિસાબે ગીત જોઈએ “ ત્યારે પાર્ષદજી ફરી કાગળ અને પેન લઇ મંડી પડ્યા, પરંતુ તેઓ એક સારું ઝંડા ગીત લખી શક્યા નહી. છેવટે નિરાશ થઇ તેઓ પથારી પર પોઢ્યા. અચાનક રાતે બે વાગે તેમના મનમાં એક નવા ભાવ નિર્માણ થયા અને તેમના મનમાં શબ્દો સ્ફૂરી રહ્યા “વિજયી વિશ્વ તિરંગા પ્યારા.. “ અને પછી તો શું પાર્ષદજી સફાળા પથારીમાંથી ઉઠ્યા અને તેમણે કાગળ પેન હાથમાં લઈ ગીત લખવા બેઠા. કાગળ પર પેન જાણે જાતે ચાલવા લાગી અને જોતજોતામાં તો ઝંડા ગીત લખાઈ ગયું.
સવારે તેમણે એ ગીત વિધાર્થીજીને મોકલી આપ્યું. તેમણે આ ગીત ખૂબ ગમ્યું. જયારે આ ગીત મહાત્મા ગાંધી પાસે ગયું ત્યારે તેઓએ એ ગીતને નાનકડું કરવાની સલાહ આપી. (મૂળ ગીત જોવા આ લીંક ક્લિક કરો https://goo.gl/EBYBJe ) છેવટે ઈ.સ. ૧૯૩૮માં કોંગ્રેસ અધિવેશનમાં નેતાજી સુભાષચંદ્ર બોસએ આ ગીતને દેશના ઝંડા ગીત તરીકેની સ્વીકૃતિ આપી. આ અધિવેશન હરીપુરામાં થયો હતો. જ્યાં નેતાજી સુભાષચંદ્ર બોસના વરદ હસતે ઝંડો લહેરાવવામાં આવ્યો અને ત્યાં હાજર લગભગ પાંચ હજાર લોકો એ શ્યામલાલ ગુપ્તા દ્વારા રચિત ઝંડાગીતને એક સુરમાં ગાયું.
આ ગીત ફિલ્મ “ફરિશ્તે”માં પણ સમાવી લેવામાં આવ્યું છે જેમાં સુરોની દેવી એવા લતા મંગેશકર અને શબ્બીર કુમારે સ્વર આપ્યો છે.
(૫) રાષ્ટ્રીય વૃક્ષ : વડ
વડ એક અંજીર વર્ગનું વૃક્ષ છે, જેનાં બીજ ખડકોની ફાટમાં, યજમાન વૃક્ષનાં થડ પર કે મકાનો અને પુલોની ફાટોમાં પણ વૃધ્ધિ પામે છે. વડનાં બીજ મોટાભાગેતો ફળ ખાનાર પક્ષીઓ દ્વારા ફેલાય છે.
આ વૃક્ષ ઘેઘુર, ઘટાદાર હોય છે જેને કારણે ગામનાં પાદર, ચોક, કુવાકાંઠે વિગેરે જગ્યાઓ પર ખાસ વવાય છે. મોટા વડની ડાળીઓ પરથી નવાં મુળ ફુટે છે જે “વડવાઇ” કહેવાય છે. આ વડવાઇઓ અમુક સમયમાં વધતી વધતી જમીનમાં રોપાઇ જાય છે. ક્યારેકતો આને કારણે આ વૃક્ષને અનેક થડ હોય તેવું લાગે છે અને મુળ થડ કયું તે ખબર પડતી નથી. ગુજરાતમાં કબીર વડ આવું એક વિશાળ વટવૃક્ષ છે જે અંદાજે ૩૦૦ વર્ષથી વધુ જુનું છે. વડનાં વૃક્ષ પર નાનાં નાનાં લાલ રંગનાં ફળ આવે છે જે પાકે ત્યારે કાળા રંગનાં થાય છે. આ ફળને “ટેટા” કહેવાય છે.
વડને ભારતનાં રાષ્ટ્રીય વૃક્ષ તરીકેનું બહુમાન આપવામાં આવેલ છે. જે તેની વિકટ પરીસ્થિતિઓમાં પણ ફાલવા-ફુલવાની ક્ષમતા અને પોતે ધોમ ધખતા તાપને સહન કરીને પણ ઘટા નીચે આશરો લેનારને છાંયડો આપવાનો ગુણને ધ્યાને રાખી અપાયેલ છે.
હિંદુ ધર્મમાં વડને બહુજ પવિત્ર મનાય છે, તેને “અશ્વશ્થ વૃક્ષ” કહેવાય છે. દક્ષિણામૂર્તિ પ્રમાણે ભગવાન શિવ દક્ષિણામૂર્તિ તરીકે, રૂષિઓ સાથે મૌન સાધનામાં હંમેશા વડવૃક્ષની નીચેજ બેઠેલા દર્શાવાય છે. આ વૃક્ષનાં અસીમ વિસ્તારને કારણે તેને અનંત જીવનનાં પ્રતિક સમાન ગણવામાં આવે છે
અમારા વડોદરા શહેરનું નામ પણ વડવૃક્ષ પરથી જ પડેલ છે.
વડોદરા અને વડની વાત નીકળી છે તો વડોદરાની શોભા સમાન “સયાજી વડ”નો ઉલ્લેખ મારે કરવો જ પડે.
ઈ.સ. ૧૮૮૭ના જાન્યુઆરી માહમાં વડોદરાના મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ (તૃતીય) જયારે શ્રીલંકાના પ્રવાસે ગયા હતા ત્યારે ત્યાં એમણે હોટેલ માઉન્ટ લેવીનિયા (Mount Lavinia)માં રોકાણ કર્યું હતું. વિદેશ પ્રવાસથી પાછા ફરતી વેળા વડોદરાની જનતા માટે કંઈક નવું દેખાય તો લઇ આવવું એવો તેમનો નિયમ હતો. તેથી શ્રીલંકાથી પાછા ફરતી વેળાએ તેઓ એક શ્રીલંકન વડનું રોપ પોતાની સાથે લઈ આવ્યા હતાં.
શ્રી.મ સયાજીરાવ હમેશા પોતાના વર્ષગાંઠની શરૂઆત એક વૃક્ષ લગાવીને કરતા. એમના પ્રવાસ અને વૃક્ષો પ્રત્યેના લગાવને કારણે જ વડોદરાની ધરતી પર તમને વિવિધ પ્રકારના વૃક્ષો જોવા મળે છે.
તા. ૧૧ માર્ચ ૧૮૮૭ના રોજ તેઓએ પોતાના જન્મદિવસ નિમિતે શ્રીલંકાથી લાવેલા વડના વૃક્ષને લક્ષ્મીવિલાસ પેલેસની પાછળના ભાગમાં લગાવ્યો હતો. આજે એ વટવૃક્ષ ૮૦ ફૂટ જેટલો ઉંચો થયો છે. અને લગભગ ૧૫૦૦ જેટલા વ્યક્તિઓને છાંયડો આપે એટલો એનો ઘેરાવો છે.
મારા પુસ્તક “શ્રીમંત મહારાજા” તથા “વડોદરા નરેશ” ના સંશોધન કાર્ય દરમ્યાન મને જાણવા મળ્યું હતું કે આવું જ એક વૃક્ષ વડોદરાની સર મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના “DN વિધાલય” પાસે પણ છે. પરંતુ કમનસીબે હું એ ઝાડની મુલાકાતે ગયો ત્યારે તેના થોડા દિવસો પહેલા જ નવી સંસ્કુત વિધાલય બનાવતી વેળાએ આ વૃક્ષનો અડધો ભાગ કાપી દેવામાં આવ્યો હતો.
બાબા સાહેબ આંબેડકરજીએ જે વડ વૃક્ષ નીચે બેસીને સંકલ્પ લીધો હતો તે વડવૃક્ષ પણ અમારા વડોદરાના સયાજીબાગમાં આવેલું હતું!
(ક્રમશઃ)
સંકલન તથા લેખનઃ
પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે
{યોગી પ્રશાંતનાથ જ્યોતિર્નાથ}
{YOGI, Author, Philosopher, Dr. Hon. D.H.L, Reiki Grandmaster – Sensei}