અમદાવાદ : લોકરક્ષક દળ ભરતી પરીક્ષાના પેપર લીક કૌભાંડ પકડાયેલી મહિલા આરોપી અને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રેકટર રૂપલ શર્મા પોતે સ્વર્ગસ્થ પીએસઆઇની પુત્રી છે અને તે પોતે આ લોકરક્ષક દળની પરીક્ષાની ઉમેદવાર હતી. તેની પાસે જવાબો આવી ગયા એટલે તેણીએ ભરતી બોર્ડના પીએસઆઇ ભરત બોરાણાને વોટ્સ અપ વેરીફાઇ કરવાની જવાબો સાચા છે કે કેમ તે પૃચ્છા કરી તેમાં ફસાઇ ગઇ. કારણ કે, બોરાણાએ આ જવાબો ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયને વોટ્સ અપ પર મેસેજ કરીને જાણ કરી દીધી, જેને પગલે સહાયને ખબર પડી ગઇ કે, વાસ્તવમાં પેપર લીક થઇ ચૂકયું છે અને તેના જવાબો સોશ્યલ મીડિયામાં ફરતા થઇ ગયા છે.
જેને પગલે સૌથી પહેલી પોલીસના સકંજામાં રૂપલ શર્મા આવી અને તેના થકી આગળની ચેઇનનો પર્દાફાશ થયો. રૂપલ શર્માની ધરપકડ બાદ હાલ તો, તેના બે નાના બાળકો નિરાધાર થઇ ગયા છે. કારણ કે, રૂપલના થોડાક વર્ષ અગાઉ છૂટાછેડા થઈ ચૂક્યા છે અને હાલ તે પોતાના બે બાળકો સાથે ગાંધીનગર હોસ્ટેલમાં રહેતી હતી. રૂપલનો પતિ બૂટલેગર હતો અને તેના ત્રાસથી જ તેણે પતિ પાસેથી છુટાછેડા લઈ લીધા હતા. રૂપલને એક પુત્ર અને એક પુત્રી છે. તેનો પુત્ર આઠમા ધોરણમાં ભણે છે જ્યારે છોકરી છઠા ધોરણમાં અભ્યાસ કરે છે. રૂપલે બે બાળકોના નિર્વાહ માટે એલઆરડી પરીક્ષાનું પેપર લીક કર્યું હતું પરંતુ હવે તેના એ બાળકો જ નિરાધાર બની ગયા છે.
હાલ કસ્ટડીમાં રહેલી રૂપલના બંને બાળકોને ગાંધીનગર પોલીસ સંભાળી રહી છે. રૂપલ જે હોસ્ટેલમાં રેક્ટર હતી ત્યાં જ ૧૦ વિદ્યાર્થીઓને જવાબો આપ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. રૂપલની ધરપકડ બાદ પોલીસ રિમાન્ડ માગશે અને તપાસ થાય ત્યાં સુધી તે પોલીસ કસ્ટડીમાં જ રહેશે. ગઈકાલે પોલીસે રૂપલની પૂછપરછ કરી હતી તે સમયે તેના બંને બાળકોનું ધ્યાન પોલીસે રાખ્યું હતું અને તેઓને જમવાનું પણ પોલીસે આપ્યું હતું. હાલમાં એક મહિલા પોલીસ બંને બાળકોની સંભાળ કરી રહી છે. જો કે, ટૂંક સમયમાં તેના કોઈ નજીકના સગા બાળકોની કસ્ટડી લેવા માટે આવે તો પોલીસ તેનું વેરિફિકેશન કરીને બાળકોની તેમને સોંપણી પણ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, રૂપલ શર્મા ગાંધીનગરના સેક્ટર-૮ની શ્રીરામ હોસ્ટેલમાં રેક્ટર તરીકે નોકરી કરતી હતી અને તેના બાળકો સાથે ત્યાં જ રહેતી હતી. રૂપલના પિતા એસઆરપીમાં પીએસઆઈ હતા. તેમના પિતાનું અવસાન થઇ ગયું છે. જ્યારે માતા નડિયાદમાં રહે છે અને ભાઈ રેલવે પોલીસમાં નોકરી કરે છે. આ કૌભાંડમાં સંડોવણીને પગલે તેના પિતાની અને પરિવારની પ્રતિષ્ઠા પર છાંટા ઉડયા છે.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		