મુંબઈઃ આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની મિટિંગના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. તમામ અર્થશાસ્ત્રીઓની ગણતરી મુજબ જ રિઝર્વ બેંકે તેના ચાવીરુપ રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કર્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને ૬.૫૦ ટકા થઇ ગયો છે જે બે વર્ષની ઉંચી સપાટી છે. ફુગાવાને કાબૂમાં લેવાના હેતુસર આ પગલા લેવામાં આવી રહ્યા છે.
રેપોરેટમાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. જૂન મહિનામાં રેપોરેટમાં ચાર વર્ષથી વધુ સમયગાળાની અંદર પ્રથમ વખત વધારો કરવામાં આવ્યો હતો તે વખતે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે રેપોરેટ વધીને ૬.૨૫ ટકા થયો હતો. આજે પોલિસી સમીક્ષાની બેઠકમાં રેપોરેટમાં વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ રેપોરેટ વધીને હવે ૬.૫૦ થઇ ગયો છે. સમીક્ષા હાઈલાઇટ્સ નીચે મુજબ છે.
- ટુંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરી ૬.૫૦ ટકા કરાયો
- કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા રાખવામાં આવ્યો
- એસએલઆરને ૧૯.૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો
- આરબીઆઈએ જુદી જુદી બાબતોને ધ્યાનમાં લઇને રેપો અને રિવર્સ રેપોરેટમાં વધારો કર્યો
- રિવર્સ રેપોરેટને ૨૫ બેઝિક પોઇન્ટ વધારીને ૬.૨૫ ટકા કરવામાં આવ્યો
- માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી અથવા તો એમએસએફના રેટ અને બેંક રેટને યથાવત ૬.૨૫ ટકાના દરે જાળવી રખાયો
- મોદી સરકારના ગાળામાં બીજી વખત રેપો અને રિવર્સ રેપોરેટમાં વધારો કરાયો
- નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯માં દેશના જીડીપી વૃદ્ધિદરને ૭.૫ ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો જ્યારે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં મોંઘવારીનો દર ૪.૬ ટકા રાખવામાં આવ્યો
- જુલાઈ-ડિસેમ્બર છમાસિક ગાળામાં ૪.૮ ટકા અને આગામી વર્ષમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં મોંઘવારીનો દોર પાંચ ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો
- કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો જુન મહિનામાં પાંચ ટકા થઇ ગયો હતો જે પાંચ મહિનાની ઉંચી સપાટી હતી
- જુન મહિનામાં ડબલ્યુપીઆઈ ફુગાવો ૫.૭૨ ટકા થઇ ગયો હતો જે સાડા ચાર વર્ષની ઉંચી સપાટી હતી