મુંબઈ : શેરબજારમાં પ્રવાહી સ્થિતિ વચ્ચે હવે તમામની નજર આરબીઆઈની પોલિસી સમીક્ષા ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. આરબીઆઈ આ વખતે ચોથી એપ્રિલના દિવસે રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી શકે છે. હાલમાં પ્રવર્તી રહેલી સ્થિતિને ધ્યાનમાં લઇને આરબીઆઈની નાણાંકીય પોલિસી કમિટિ વ્યાજદરમાં ઘટાડો કરીને વિકાસને તેજી આપી શકે છે. ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવ્યા બાદ ધિરાણના દરો કઠોર રહ્યા છે કારણ કે, બેંકો ડિપોઝિટને વધારવાના રસ્તા પર ધ્યાન આપી રહ્યું છે. આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક ખુબ મહત્વપૂર્ણ બની ગઈ છે. જા આરબીઆઈ રેપોરેટમાં કાપ મુકશે તો બેંચમાર્ક છ ટકા ઉપર આવી જશે. એપ્રિલ ૨૦૧૮માં કેટલીક ગણતરી કરવામાં આવી હતી.
આરબીઆઈના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે જૂન ૨૦૧૮ અને ઓગસ્ટ ૨૦૧૮માં રેટમાં બે વખત વધારો કર્યો હતો. આરબીઆઈની છ સભ્યોની નાણાંકીય નીતિ બેઠક ગુરુવારના દિવસે નિર્ણય લેશે. નવા નાણાંકીય વર્ષની પ્રથમ દ્વિમાસિક પોલિસી બેઠકને લઇને શેરબજાર, કોર્પોરેટ જગત અને ઉદ્યોગ જગતની નજર કેન્દ્રિત થઇ છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે તો વ્યાજદરમાં ફરીવાર ઘટાડો કરવામાં આવી શકે છે. કારણ કે, રિટેલ ફુગાવો આરબીઆઈના ચાર ટકાના લક્ષ્યાંક કરતા નીચે પહોંચી ગયો છે. જા રેટમાં વધુ ઘટાડો કરવામાં આવશે તો બજારમાં તેજી આવી શકે છે. બેંક અને ઓટો તથા રિયાલીટીના શેરમાં તેજીના ભણકારા વાગી રહ્યા છે. શેરબજારમાં વ્યાજદરમાં કોઇ ઘટાડો કરાશે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સની સ્થિતિ જોવા મળી રહી છે. જોકે, મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે, વ્યાજદરમાં નજીવો ઘટાડો કરવામાં આવશે. લોનના દર પણ ઘટી શકે છે.