જ્યારે જ્યારે ધરતી પર ભક્તોને વાત્સલ્યની ખોટ સાલી છે ત્યારે ત્યારે જગત જનની મા અંબિકાએ પોતાના અવતારો થકી પોતાના પ્રેમની અખૂટ સરવાણી વહાવી છે પછી ચાહે તે ખોટ રામકૃષ્ણમ પરમહંસ જેવા સંતની માતૃપ્રેમ માટેની હોય કે મામડિયા ચારણની સંતાનો માટેની. ભગવતી અંબિકા ક્યારેક કાળી તો ક્યારેક કલ્યાણી બનીને પોતાના ભક્તોની મુરાદ પૂરી કરતી જ રહે છે.
મહા સુદ આઠમ એ આવા જ એક શક્તિના અવતારનો પ્રાગટ્ય દિવસ છે, જેને ગુજરાતના લોકદેવી તરીકે ઓળખવામાં આવે છે. આ લોકદેવી છે આઈ શ્રી જાનબાઈ, જેમને લોકભાષામાં ખોડિયાર માતાના નામે ઓળખવામાં આવે છે. તો ચાલો આજે જાણીએ લાપસી અને નાળિયેરના ટુકડાથી ખુશ થઈ જતી લેઉવા પટેલ અને ગુજરાતની ઈતર કોમમાં કુળદેવી તરીકે પૂજાતી આ લોકદેવી ખોડિયાર વિશે..
ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે.
ભારતમાં ખોડિયાર માતાજીને પૂજવા વાળો મોટો વર્ગ છે. જેમાં રાવળ, પ્રજાપતિ, આહિર, લેઉવા પટેલ, ભોઈ, ગોહિલ, ચુડાસમા, સરવૈયા, ચૌહાણ, પરમાર શાખનાં રાજપૂતો, કામદાર, ખવડ, જળુ, બ્રાહ્મણ, ચારણ, બારોટ, ભરવાડ, રબારી, તળપદા તથા અનેક કોમના લોકો કોઈપણ જાતનાં ભેદભાવ વગર તેમની પુજા કરે છે.
ખોડિયાર માતાનો ઈતિહાસ
ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં. તેઓ વલભીપુરના રાજાના દરબારમાં રાજકવિ તરીકે પણ જતા હતા. તેમનાં પત્ની દેવળબા પણ ખુબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો. પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું. મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિમો વણલખ્યો નિયમ હતો.
તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી. એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિ:સંતાન છે, તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં ‘મિત્રતા હવે પૂરી થાય છે’ તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા. ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુ:ખ થયુ.
આમ તેને જે જે લોકો સામે મળ્યા તે તમામ તેઓને વાંઝિયામેણા મારવા લાગ્યા. તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે. મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું.
આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યનાં બાળસ્વરૂપે પ્રગટ થયા. આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું.
ખોડિયાર નામ પાછળનો ઈતિહાસ
ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે.
આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી(લંગડી) તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં.
ખોડિયાર માતાના મંદિરો
આઈ શ્રીના મંદિરો સમસ્ત ગુજરાતમાં પ્રસરેલા છે. એવો કોઈ ચોરો કે ચૌટો નહિ હોય જ્યાં ખોડિયારના બેસણા ન હોય. ભાવનગરમાં રાજપરા (તાંતણિયો ધરો), રોહિશાળામાં ગળધરો, અમરેલીમાં ધારી, મોરબીના વાંકાનેર પાસે માટેલ, રાજકોટમાં કાગવડ એ માના પ્રમુખ ધામ છે. પાટણના વરાણા ખાતે તો માં ખોડિયાર પોતાની ભક્ત આઈ શ્રી વરૂડી સાથે બિરાજે છે.