વ્યાજદરમાં રાહત થઇ : રેપો રેટમાં ૦.૨૫ ટકાનો ઘટાડો

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હી : ભારતીય રીઝર્વ બેંકની આજે નાણાંકીય નિતી સમીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે રેપો રેટમાં ધારણા પ્રમાણે જ ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આની સાથે જ રેપો રેટ ઘટીને હવે ૬.૨૫ ટકા થઇ ગયો છે. જે હાલમાં ૬.૫૦ ટકા હતા. એમપીસીની છ સભ્યોની કમિટી પૈકી ચાર સભ્યોએ બહુમતિ દ્વારા આ નિર્ણય કર્યો હતો. વ્યાજદર ઘટશે તેમ પહેલાથી જ માનવામાં આવી રહ્યુ હતુ. છેલ્લી નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ પાંચમી ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા. ધારણા પ્રમાણે જ ચાવીરુપ રેપોરેટ ૬.૫ ટકાના દરે યથાવત રાખવાનો નિર્ણય કરાયો હતો. રિવર્સ રેપોરેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. ગયા વર્ષે  ઓગસ્ટ મહિનામાં રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. રિઝર્વ બેંક દર ત્રણ મહિનામાં આર્થિક નીતિઓની સમીક્ષા કરે છે.

આ ગાળા દરમિાયન વ્યાજદરો અથવા તો પોલિસી રેટ ઘટાડવા અથવા વધારવાના સંદર્ભમાં નિર્ણય કરવામાં આવે છે. આ જાહેરાતની સાથે અમે વારંવાર રિવર્સ રેપોરેટ, રેપોરેટ, સીઆરઆર, એસએલઆર જેવા શબ્દો સાંભળીએ છીએ. બેંકોને પોતાના દરરોજના કામકાજ માટે એવી મોટી રકમની જરૂર હોય છે જેની અવધિ એક દિવસથી વધારેની હોતી નથી. આના માટે બેંક સામાન્યરીતે રિઝર્વ બેંકથી એક દિવસ માટે ઓવરનાઇટ લોન મેળવે છે. આ લોન ઉપર રિઝર્વ બેંકને તેમને વ્યાજ ચુકવવાની જરૂર હોય છે. જે વ્યાજ ચુકવવાની જરૂર હોય છે તેને રેપોરેટ કહેવામાં આવે છે. બીજી બાજુ રિવર્સ રેપોરેટ આનાથી બિલકુલ અલગ હોય છે. બેંકોની પાસે દિવસભર કામકાજ  બાદ મોટી રકમ બચી જાય છે. બેંક આ રકમ રિઝર્વ બેંક પાસે રાખી શકે છે જેના ઉપર તેમને વ્યાજ મળે છે જે રકમ ઉપર આ વ્યાજ મળે છે તેને રિવર્સ રેપોરેટ કહેવામાં આવે છે.

આવી જ રીતે તમામ બેંકો માટે જરૂરી હોય છે કે, તે પોતાની પાસેના કુલ કેશ રિઝર્વનો એક ચોક્કસ હિસ્સો બેંક પાસે જમા રાખે અને કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. ક્યારેક એવું બને છે કે, એક સાથે અનેક જમા કરનાર લોકો પોતાના પૈસા ઉપાડવા માટે બેંકોમાં પહોંચી જાય છે. આવી સ્થિતિમાં બેંક ડિફોલ્ટ ન કરે તે માટે આ રકમ લેવામાં આવે છે. આવી જ રીતે એસએલઆર પણ મહત્વપૂર્ણ બાબાત છે. કોમર્શિયલ બેંકો માટે પોતાના દરેક દિવસના કારોબારના અંતમાં રોકડ રકમ, સોના-ચાંદી અને સરકારી સિક્યુરિટીમાં રોકાણ તરીકે એક મોટી રકમ રિઝર્વ બેંકની પાસે રાખવાની જરૂર હોય છે. જે તે કોઇપણ ઇમરજન્સી દેવાદારીને પૂર્ણ કરવા માટે ઉપયોગ કરી શકે છે. જે રેટ ઉપર બેંક પોતાના પૈસા સરકારની પાસે રાખે છે તેને એસએલઆર કહેવામાં આવે છે.વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવનાર છે તેમ પહેલાથી જ માનવામાં આવી રહ્યુ હતુ. જા કે કેટલાક કારોબારી વ્યાજદર યથાવત રાખવામાં આવશે તેવો અભિપ્રાય પણ વ્યક્ત કરી રહ્યા  હતા.

Share This Article