નાણાં પ્રધાન પિયુષ ગોયલે શુક્રવારના દિવસે જે બજેટ રજૂ કર્યુ હતુ તેને શુ વચગાળાના બજેટ તરીકે કહી શકાય છે તે પ્રશ્ન તમામ લોકોમાં અને આર્થિક નિષ્ણાંતોમાં ચર્ચાય છે. આ પ્રશ્નના કેટલાક કારણો રહેલા છે. કારણ કે વર્ષ ૨૦૦૪માં જશવંત સિંહ, વર્ષ ૨૦૦૯માં પ્રણવ મુખર્જી અને વર્ષ ૨૦૧૪માં પી. ચિદમ્બરમ દ્વારા વચગાળાના જે બજેટ રજૂ કરવામાં આવ્યા હતા તેની સરખામણીમાં આ બજેટ અલગ દેખાઇ આવે છે. આ બજેટમાં રાહતોનો વરસાદ કરવામાં આવ્યો છે. પહેલાના કોઇ પણ વચગાળાના બજેટમાં પિયુષ ગોયલના બજેટની જેમ ૭૫ હજાર કરોડ રૂપિયાના વાર્ષિક નવા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી ન હતી. જે વડાપ્રધાન કિસાન સન્માન નિધી (પીએમ કિસાન) યોજનાના સ્વરૂપમાં જાહેર કરવામાં આવી છે.
જે હેઠળ બે હેક્ટરથી ઓછી જમીન ધરાવનાર ખેડુતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપવામાં આવનાર છે. દેશમાં આશરે ૮૬ ટકા ખેડુત અથવા તો ૧૨.૨ કરોડ ખેડુત એવા છે જે બે હેક્ટર અથવા તો પાંચ એકરથી ઓછી જમીન ધરાવે છે. બજેટમાં દર્શાવવામાં આવેલી સંખ્યા પણ તેની આસપાસની છે. ગોયલે કહ્યુ હતુ કે આ યોજનાથી ૧૨ કરોડ ખેડુત પરિવારને સીધો ફાયદ થનાર છે. જે પૈકી એક તૃતિયાશ તો ઉત્તર પ્રદેશ અને બિહારના છે. આવી સ્થિતીમાં મતદારોનો સીધો લાભ મળવાની શક્યતાને નકારી શકાય નહી.ઉત્તરપ્રદેશમાં ભાજપ આ પગલાથી પોતાની સ્થિતિને વધારે મજબૂત કરનાર છે. ઉત્તરપ્રદેશમાં સંખ્યા મુજબ સૌથી વધારે ખેડૂત બે હેક્ટર અથવા તો પાંચ એકરથી ઓછી જમીન ધરાવે છે. કેરળ એવું રાજ્ય છે જ્યાં ખેડૂતોની વસતીની દ્રષ્ટિએ સૌથી વધારે ફાયદો થશે. કેરળના ૯૯ ટકા પાસે પાંચ એકરથી ઓછી જમીન રહેલી છે. મોદી સરકારના પ્રયાસ છે કે, કેરળ અને ઉત્તરપ્રદેશમાં સમર્થકોને મોટાપાયે તેમની તરફેણમાં કરવામાં આવે. ઇન્કમ સપોર્ટ પ્રોગ્રામ હેઠળ સરકારે પાંચ એકરથ ઓછી જમીનવાળા ખેડૂતોના ખાતામાં ૬૦૦૦ રૂપિયા જમા કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ ત્રણ ઇન્સ્ટોલમેન્ટમાં જમા કરવામાં આવનાર છે. આનાથી ૧૨ કરોડ ખેડૂતોને ફાયદો થશે.
હજુ સુધીના આંકડા ઉપર નજર કરવામાં આવે તો આ યોજનાનો લાભ લેનારમાં ૫૦ ટકા ખેડૂત પાંચ રાજ્યોમાં છે. આમાથી સૌથી વધુ ખેડૂત ૨.૨૧ કરોડ ઉત્તરપ્રદેશના છે. ત્યારબાદ બિહારના ખેડૂતોની સંખ્યા આવે છે. બિહારમાં ૧.૫૯ કરોડ ખેડૂતો એવા છે જેમની પાસે પાંચ એકરથી ઓછી જમીન છે. આવી જ રીતે પાંચ લાખ રૂપિયાની વાર્ષિક આવકવાળા કરદાતાઓને ટેક્સ ચુકવવાથી મુક્તિ મળી છે. તેમને કોઇ ટેક્સ આપવા પડશે નહીં. જે લોકોની આવક ૬.૫૦ લાખ રૂપિયા સુધીની છે તેમને પણ કોઇ પ્રકારના ટેક્સ ચુકવણી કરવાની ફરજ પડશે નહીં પરંતુ આ લોકો ૮૦સી હેઠળ બચતના સાધનોમાં રોકાણ કરે તો જ લાભ મળશે. સાથે સાથે પહેલાની જેમ બે લાખ રૂપિયા સુધીના હોમલોનના વ્યાજ, એજ્યુકેશન લોન ઉપર વ્યાજ, રાષ્ટ્રીય પેન્શનમાં યોગદાન, મેડિકલ ઇન્સ્યોરન્સ, વરિષ્ઠ નાગરિકોની તબીબી સેવા પર થનાર ખર્ચ જેવા વધારાના ખર્ચની સાથે વધુ વ્યક્તિઓને પણ ટેક્સ ચુકવવા પડશે નહીં. આનાથી મધ્યમ વર્ગના ત્રણ કરોડ કરદાતાઓને કરમાં ૧૮૫૦૦ કરોડ રૂપિયાનો ફાયદો થશે.આવની જાહેરાત પણ વચગાળાના બજેટમાં થઇ નથી.
આવી જ રીતે કર્મચારીના નેશનલ પેન્શન સિસ્ટમ અથવા એનપીએસના સરકાર તરફથી ૧૪ ટકાનું યોગદાન આપવામાં આવશે. ગ્રેજ્યુએટી પેમેન્ટની મર્યાદા ૧૦ લાખ રૂપિયાથી વધારીને ૩૦ લાખ રૂપિયા કરવામાં આવી છે. ગ્રેજ્યુએટીમાં યોગદાનની મર્યાદા ૧૫૦૦૦ રૂપિયાથી વધારીને ૨૧૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. સર્વિસના ગાળા દરમિયાન શ્રમિકોના મૃત્યુના કેસમાં ઇપીએફઓથી મળનાર સહાયતાની રકમ બે લાખ રૂપિયાથી વધારીને છ લાખ કરવામાં આવી છે. બીજી બાજુ ૨૫૦૦૦ રૂપિયાની કમાણી કરનાર ઇએસઆઈ છત્ર આપવામાં આવશે.આ પહેલા ક્યારેય વચગાળાના બજેટમાં પેન્શન યોજનાની જાહેરાત કરવામાં આવી નથી. સાથે સાથે ૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી પણ ક્યારેય કરવામાં આવી નથી. જેવુ આ બજેટમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિક માટે કરવામાં આવ્યુ છે. આ યોજનાની હદમાં ૧૫ હજારથી ઓછી આવકવાળા તમામ લોકો આવરી લેવામાં આવનાર છે. અસંગઠિત ક્ષેત્રના આશરે એક ચતુર્થાશ લોકોને આની હેઠળ આવરી લેવામાં આવનાર છે. આ તમામ યોજના પર વાર્ષિક ૯૪ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. આ રકમ આગામ વર્ષના અંદાજિત જીડીપીના આશરે અડધા ટકાની આસપાસ રહેશે. વચગાળાના બજેટની વાત છોડી
દેવામાં આવે તો પણ હાલના વર્ષોમાં કોઇ સરકારે આ પ્રકારનુ બજેટ રજૂ કર્યુ નથી. જેમાં આટલી મોટી સંખ્યામાં લોકોને લાભ આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે. આટલી મોટી જાહેરાત કરવામાં આવી હવા છતાં પણ જ મોદી સત્તામાં વાપસી કરી નહીં શકે તો માનવુ પડશે કે મોદી સરકારથી લોકો વ્યાપક નિરાશ થયા છે. બજેટમાં વર્ષ ૨૦૧૯-૨૦ માટે રાજકોષીય ખાદ્યનુ લક્ષ્ય ૩.૩ ટકા રાખવામાં આવ્યુ છે. જે વર્ષ ૨૦૧૯-૧૯માં પણ હતુ. જેને મોડેથી સુધારીને ૩.૪ ટકા કરવામાં આવ્યુ હત. છેલ્લા કેટલાક વર્ષોથી સરકાર રાજકોષીય ખાદ્યને સતત સુધારતી રહી છે. સાથે સાથે મુળ લક્ષ્ય ક્યારેય પ્રાપ્ત થયુ નથી. વચગાળાના બજેટમાં કેટલાક ખર્ચ પર કાપ મુકવામાં સફળતા હાંસલ થઇ છે. મનરેગા અને એનએચએઆઇના બજેટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. સંરક્ષણ બજેટમાં સાત ટકાનો વધારો કરવામાં આવ્યો છે.