નવીદિલ્હી: દિલ્હી હાઈકોર્ટે આઈએનએક્સ મિડિયા મામલામાં પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમને રાહત આપી હતી. દિલ્હી હાઈકોર્ટના ચુકાદા બાદ પહેલી ઓગસ્ટ સુધી ચિદમ્બરમની ધરપકડ કરી શકાશે નહીં. હાઈકોર્ટે ચિદમ્બરમને ઇડીની તપાસમાં સહકાર કરવા અને મંજુરી વગર દેશ છોડીને ન જવાની સુચના આપી હતી. બીજી બાજુ ઇડીએ ચિદમ્બરમની માંગનો એમ કહીને વિરોધ કર્યો હતો કે, આઈએનએક્સ મિડિયા કેસમાં ચિદમ્બરમના પુત્ર કાર્તિએ પોતાના પિતાની સહમતિ અને જાણકારીની સાથે એફઆઈપીબી દ્વારા મંજુરી મેળવવાની બાબતમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી.
ચિદમ્બરમે ૨૩મી જુલાઈના દિવસે આગોતરા જામીન માટેની અરજી દાખલ કરી હતી. આઈએનએક્સ કેસમાં ચિદમ્બરમ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચિદમ્બરમની જામીન અરજીમાં દલિલ કરવામાં આવી હતી કે, આ કેસમાં તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. કેસમાં તેમનું નામ પણ સામેલ કરવામાં આવ્યું ન હતું. ૩૦મી મેના દિવસે ચિદમ્બરમે એરસેલ-મેÂક્સસ કેસમાં ધરપકડથી રક્ષણ માટે ટ્રાયલ કોર્ટમાં રજૂઆત કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના આ કેસમાં ધરપકડથી બચવા ચિદમ્બરમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આઈએનએક્સ મિડિયા કેસમાં હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી.
૩.૦૫ અબજ રૂપિયા અથવા તો ૩૦૫ કરોડ રૂપિયાને આવરી લેતા આઈએનએક્સ મિડિયા કેસ અને ૩૫ અબજ રૂપિયા અથવા તો ૩૫૦૦ કરોડ રૂપિયાની એરસેલ-મેક્સિસ સોદાબાજી કેસમાં તપાસ સંસ્થાઓના સકંજામાં ચિદમ્બરમની ભૂમિકા આવી ચુકી છે. આગામી દિવસો તેમના માટે મુશ્કેલીરુપ બની શકે છે. યુપીએ-૧ના શાસન દરમિયાન નાણામંત્રી તરીકે ચિદમ્બરમ હતા અને તે ગાળા દરમિયાન એફઆઈપીબી દ્વારા બે સંયુક્ત સાહસોને લીલીઝંડી આપવામાં આવી હતી જેમાં મોટાપાયે ગોટાળા થયા હતા.
આઈએનએક્સ મિડિયા કેસમાં ૧૫મી મેના દિવસે ગયા વર્ષે સીબીઆઈએ એફઆઈઆર દાખલ કરી હતી. ૩૦૫ કરોડ રૂપિયાના ફંડના મામલામાં આ મામલો આગળ વધ્યો હતો. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ૨૮મી ફેબ્રુઆરીના દિવસે ધરપકડ પણ કરવામાં આવી હતી. આ કેસમાં ૧૦ લાખ રૂપિયા મેળવવા બદલ તેમની સામે સકંજા મજબૂત કરાયો હતો અને ધરપકડ કરાઈ હતી. જા કે, કાર્તિને ૨૩મી માર્ચના દિવસે જામીન મળી ગયા હતા. આ કેસમાં અન્ય જે આરોપીઓ છે તેમાં આઈએનએક્સ મિડિયાના ડિરેક્ટર ઇન્દ્રાની મુખર્જી અને તત્કાલિન આઈએનએક્સ ન્યુઝ ડિરેક્ટર પીટર મુખર્જીનો સમાવેશ થાય છે.