વરિષ્ઠ નાગરિકોની ગૌરવપૂર્ણ જીવન પ્રદાન કરવા માટે કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોના મંત્રી અરૂણ જેટલીએ વરિષ્ઠ નાગરિકો માટે મહત્વપૂર્ણ રાહતોની જાહેરાત કરી છે.
સંસદમાં આજે સામાન્ય અંદાજપત્ર ૨૦૧૮-૧૯ રજૂ કરતાં નાણાં મંત્રીએ કહ્યું કે બેંકો તથા પોસ્ટ ઓફિસમાં જમા રકમ પર વ્યાજની આવકમાં ૧૦ હજાર રૂપિયા સુધીની છૂટને વધારીને ૫૦ હજાર રૂપિયા સુધીની કરાઈ છે. તથા આવક વેરા ધારાના ૧૯૪એ અંતર્ગત સ્રોત પર આવકવેરાની કપાત નહીં કરાય. આ લાભ ફિક્સ્ડ ડિપોઝીટ યોજના તથા રિકરિંગ ડિપોઝીટ યોજનામાં પ્રાપ્ત થનારા વ્યાજ માટે પણ ઉપલબ્ધ થશે.
નાણાં મંત્રીએ કહ્યું કે કલમ ૮૦ડી અંતર્ગત સ્વાસ્થ્ય વિમા પ્રીમિયમ તથા ચિકિત્સા ખર્ચ હેતુ કપાતની સીમાને ૩૦ હજાર રૂપિયાથી વધારીને ૫૦ હજાર કરાઈ છે. હવે દરેક વરિષ્ઠ નાગરિક કોઈપણ સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ અથવા કોઈપણ ચિકિત્સાના સંદર્ભમાં ૫૦ હજાર રૂપિયા પ્રતિવર્ષ સુધી કપાતના લાભ માટે દાવો કરી શકશે.
નાણાં મંત્રીએ કલમ ૮૦-ડીડીબી અંતર્ગત ગંભીર બીમારી સાથે સંબંધિત ચિકિત્સા ખર્ચ માટે કપાતની મર્યાદાને વરિષ્ઠ નાગરિકોની બાબતમાં ૬૦ હજાર રૂપિયાથી વધારી અને અતિ વરિષ્ઠ નાગરિકોની બાબતમાં ૮૦ હજાર રૂપિયાથી વધારી દરેક વરિષ્ઠ નાગરિકો માટે એક લાખ રૂપિયાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
આ છૂટછાટો ઉપરાંત નાણાં મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી વય વંદના યોજનાને માર્ચ ૨૦૨૦ સુધી વધારી દેવાઈ છે. આ યોજના અંતર્ગત ભારતીય જીવન વીમા નિગમ દ્વારા ૮ ટકા નિશ્ચિત પ્રતિલાભ અપાય છે. આ યોજના અંતર્ગત દરેક વરિષ્ઠ નાગરિક માટે ૭.૫ લાખ રૂપિયાની વર્તમાન રોકાણ મર્યાદાને વધારીને ૧૫ લાખ રૂપિયા કરાઈ છે.