નવી દિલ્હી : રિલાયન્સ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના પ્રમુખ અનિલ અંબાણીએ આજે કહ્યું હતું કે,તેમના ગ્રુપ તમામ પ્રકારના દેવાને સમયસર ચુકવી દેવા માટે કટિબદ્ધ છે. છેલ્લા ૧૪ મહિનાના ગાળામાં તેમના ગ્રુપ દ્વારા ૩૫૦૦૦ કરોડ રૂપિયાની ચુકવણી કરી દેવામાં આવી છે. અંબાણીએ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, પડકારરુપ સ્થિતિ અને ફાઈનાન્સરો તરફથી કોઇ નાણાંકીય સહાયતા નહીં મળવાના કારણે તેમના ગ્રુપે પહેલી એપ્રિલ ૨૦૧૮થી લઇને ૩૧મી મે ૨૦૧૯ વચ્ચેના ગાળામાં ૧૦૬૦૦ કરોડથી વધુની વ્યાજની ચુકવણી કરી છે. આ ઉપરાંત ૨૪૮૦૦ કરોડ રૂપિયાની મૂળ રકમની ચુકવણી કરી છે.
તેમણે કહ્યું હતું કે, છેલ્લા કેટાલક સપ્તાહના ગાળા દરમિયાન બિનજરૂરી અફવાઓ, અટકળો અને રિલાયન્સ ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં ઘટાડો થવાના પરિણામ સ્વરુપે અમારા તમામ સંબંધિતોને ભારે નુકસાન થયું છે. તમામ સ્ટેક હોલ્ડરોને નુકસાન થયું છે. ૩૫૦૦૦ કરોડ રૂપિયાના દેવાની ચુકવણી રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ પાવર, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેની સાથે જાડાયેલી કંપનીઓ સાથે છે. અંબાણીએ મૂડીરોકાણકારોને વિશ્વાસ આપતા કહ્યું હતું કે, તેમના ગ્રુપ દ્વારા ભવિષ્યમાં તમામ દેવાને વહેલીતકે ચુકવી દેવા માટે કટિબદ્ધ છે. આના માટે તેમની સંપત્તિઓના વેચાણની પણ યોજના છે.
અંબાણી ગ્રુપની કેટલીક સમસ્યાઓ માટે રેગ્યુલેટરી ઓથોરિટી અને કોર્ટ પણ જવાબદાર છે. કેટલાક મામલાઓમાં નિર્ણય આવવામાં વિલંબ થવાથી ગ્રુપને ૩૦૦૦૦ કરોડ રૂપિયાથી વધુના બાકી રકમ મળી શકી ન હતી. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ પાવર અને તેની સાથે જાડાયેલી કંપનીઓની બાકી રકમ ૫થી ૧૦ વર્ષ જુની છે. તેના ઉપર નિર્ણય આવવામાં વિલંબથી રકમ વધી ગઈ હતી.