પરમ પૂજય ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી હાર્દિકરત્નસુરી દ્વારા તાજેતરમાં ૨૦૦૦ કિમીની હિમાલયા યાત્રા કરવામાં આવી. આ યાત્રા ઇતિહાસમાં પહેલી વાર જૈન મહારાજ સાહેબ દ્વારા થયેલ છે જેઓનો મુખ્ય ઉદેશ સર્વધર્મ સમભાવ અને કુદરતી સૌંદર્યની સંપૂર્ણ પળો લોકો સુધી પહોંચાડવાનો છે. આ પદયાત્રા કેટલી કઠિન, સુંદર અને અવિસમરણીય છે તે હિમાલય પ્રેમીઓને દરેક મિનિટ અને ક્ષણનો લોકોને અનુભવ કરાવવા માટે તેમના દ્વારા “જૈન સાધુની હિમાલયા યાત્રા” ગ્રંથ રજૂ કરવામાં આવ્યો છે જેનું વિમોચન આજરોજ શ્રી ઝાલાવાડ સમાજ ટ્રસ્ટ હોલ, પાલડી ખાતે મીડિયા સમક્ષ કરવાંમાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન પરમ ગુરુભક્તશ્રી ચંદ્રેશભાઇ શાહ (ટ્રસ્ટી – શ્રી સિદ્ધાચલશણગાર જૈન ટ્રસ્ટ અને મંગલ અરિહંત સિદ્ધાચલ ધામ જૈન ટ્રસ્ટ અઢીદ્વીપ – પાલીતાણા) દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી રમેશભાઈ તન્ના (લેખક, પોઝિટિવ સ્ટોરી) ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત પરમ પૂજય ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી હાર્દિકરત્નસુરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઉચ્ચ સપાટી પર આવેલો નયનરમ્ય પ્રદેશ, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી કુદરતી સૌંદર્ય વચ્ચેથી યાત્રાળુઓ જાણે ભેખડોમાંથી બહાર આવતા હોય તેવું દૃશ્ય નજરે ચડે છે. આ પ્રદેશનો ખડકાળ ચહેરો દેખીતી રીતે કાળો છે પણ તેના શિખરનું આવરણ, સફેદ બરફના જાડા પડથી આચ્છાદિત થઈ ગયું છે. તેની પીગળતી હિમનદીઓ અગ્ર ભૂમિના વિશાળ તળાવમાં વહી રહી છે. તેના પાણીની શુદ્ધતા, નિર્મળતા અને સૌંદર્ય અવર્ણનીય છે. જેને અમે આ ગ્રંથમાં ફોટો અને લખાણ સાથે રજુ કરેલ છે.
સાધુ, સંત, લામા, જાપાનીઝ, બૌદ્ધ, હિંદુ અને જૈન ધર્મના અભ્યાસુઓ, આધ્યાત્મિક જીવોને લીધે સદીઓથી આ ભૂમિનું સાંસ્કૃતિક અને નૈસર્ગિક મહત્ત્વ અકબંધ છે.ભારત, નેપાળ, ભૂતાન અને ચીનમાં (ચીનના તિબેટનો ઑટોનોમસ પ્રદેશ) રહેતા ઘણા શ્રદ્ધાળુઓ માટે આ પ્રદેશ દેવ-દેવીઓનું ગૃહ છે, જેમાં ભગવાન શંકર અને દેવી પાર્વતીનો પણ સમાવેશ થાય છે. આને લીધે જીવનમાં એક વખત કૈલાસ-માનસરોવર યાત્રા કરવી મહત્ત્વની મનાય છે. આ યાત્રા બેથી ત્રણ સપ્તાહ સુધી ચાલે છે. (તેનો આધાર તમે કયાંથી યાત્રા શરૂ કરો છો તેના પર છે.).. પરંતુ અમારી આ યાત્રા ખુબ જ સુંદર અને ૯૦ દિવસ લાંબી હતી. જેમાં અમે ૪ મહારાજ સાહેબઓ જોડાયા હતા.
જૈન મુનિ હિમાલય યાત્રા કરે અને તેનું સુંદર, સતસવીર વિગતવાર યાત્રાવર્ણન લખે એ ખરેખર ખૂબ મહત્ત્વની વાત છે. આ પુસ્તકમાંથી પસાર થતી વખતે ઘણી નવી બાબતો જોવા મળે છે. કદાચ પહેલી વખત કોઈ જૈન મુનિએ ઉત્તરાખંડની ચાર ધામની યાત્રા કરી હશે. ગંગોત્રી-યમનોત્રી-કેદારનાથ અને બદ્રીનાથ સુધી પગે ચાલીને જવાનો કોઈ નિયત માર્ગ ન હોવાથી જવામાં તકલીફ પડે. વળી, જૈન મુનિઓને માત્ર નેવું દિવસમાં બે હજાર કિલોમીટરની યાત્રા કરવાની હતી એટલે કે, દરરોજ સરેરાશ 25 કિ.મી. ચાલવું પડે. હિમાલયમાં ઉપર તરફનું ચડાણ હોય તથા હવામાન ગમે ત્યારે બદલાય એવી સ્થિતિમાં આ યાત્રા ખરેખર વિકટ અને કઠીન જ બને.