અમેરિકા અને ઇરાન વચ્ચે વણસી ગયેલા સંબંધોના કારણે એકબાજુ યુદ્ધના વાદળો ઘેરાયેલા છે ત્યારે બીજી બાજુ તેમની વચ્ચેસંબંધોને સામાન્ય કરવાના પ્રયાસ પણ જુદા જુદા દેશો દ્વારા જારી રાખવામાં આવ્યા છે. બંને દેશો વચ્ચે સંબંધ તો પહેલાથી ખરાબ હતા પરંતુ થોડાક દિવસ પહેલા સંબંધ એ વખતે વધારે ખરાબ થઇ ગયા હતા જ્યારે ઇરાને હોર્મુજ જલડમરુ મધ્ય જળમાર્ગ પર અમેરિકાના જાસુસી ડ્રોન વિમાનને તોડી પાડ્યુ હતુ. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ત્યારબાદ તરત જ ઇરાન પર હુમલા કરવા માટે આદેશ આપ્યો હતો. પરંતુ છેલ્લી ઘડીએ તેને રોકી દેવામા આવ્યા હતા.
હકીકતમાં બંને દેશો વચ્ચે પરમાણુ સમજુતીને લઇને વિવાદ છે. અમેરિકાએ આ સમજુતીમાંથી પોતાને અલગ કરવાની જાહેરાત કરી દીધી છે. ઇરાનને પણ પરમાણુ સમજુતીની કેટલીક શરતોને લઇને વાંધો છે. ઇરાની પ્રમુખ હસન રૂહાનીએ સમજુતી અમલી ન થવાની સ્થિતીમાં યુરેનિયમ ભંડારને વધારી દેવાની વાત કરી છે. બંને દેશો વચ્ચે જારી ટેન્શનની અસર યુરોપ સહિત મધ્યપૂર્વના દેશો પર પડી રહી છે. આ મતભેદોને ઘટાડી દેવા માટે તમામ પ્રયાસ ચાલી રહ્યા છે. કારણ કે તેની અસર અન્ય દેશો પર પણ થઇ રહી છે. આ તંગદીલી વચ્ચે થોડાક દિવસ પહેલા જાપાનના વડાપ્રધાન શિન્ઝો આંબે ઇરાનની યાત્રા દરમિયાન પ્રમુખ હસન રૂહાનીને મળ્યા હતા. જાપાન ઉર્જા આયાતના મામલે મધ્ય પૂર્વ પર આધારિત છે.
જો હોર્મુજમના જળડમરુમધ્યમાં ખેંચતાણ થાય છે તો જાપાનને મોટો ફટકો પડી શકે છે. રૂહાનીએ તેના પર લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોને ઉઠાવી લેવાની અપીલ કરતા કહ્યુ છે કે અમેરિકાના આર્થિક યુદ્ધથી ક્ષેત્રીય તંગદીલી વધી જશે. આબેએ અહીં ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયતુલ્લા અલ ખમનેઇ સાથે પણ વાતચીત કરી હતી. પરમાણુ મુદ્દાને ઉકેલવા અને મધ્યપૂર્વમાં સ્થિરતાના પ્રયાસો કરવાની બાબત જાપાન માટે જરૂરી છે. કેટલાક લોકો કહે છે કે વર્ષ ૨૦૧૫માં થયેલા ઇરાની પરમાણુ સમજુતીને જાળવી રાખવાની બાબત પણ ઉપયોગી છે. આ સમજતી હેઠળ ઇરાનના પરમાણુ કાર્યક્રમને ૧૦થી ૧૫ વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. આમાં બેલાસ્ટિક મિસાઇલના વિકાસને અલગ રાખવામાં આવી છે. કેટલીક ખામીઓના કારણે અમેરિકા અલગ થઇ ગયુ છે. જો સમજુતી તુટી જશે તો સ્થિતી સુધરી જવાના બદલે વધારે બગડી જશે. ઇરાને બ્રિટન, ફ્રાન્સ, જર્મની સહિતના દેશો પાસેથી અમેરિકી પ્રતિબંધની ચિંતા કર્યા વગર ક્રુડ ઓઇલની લેવડદેવડમાં મદદ માંગી છે. જો ઇરાન પોતે સમજુતી તોડે છે તો તે જાપાન અને અન્ય દેશોનો વિશ્વાસ ગુમાવી દેશે.