થોડાક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર આ ફોટો વાઈરલ થયો હતો જેમાં લખ્યુ હતુ કે પ્યાર હંમેશા જવાન રહેતા હૈ…બુઢી તો જિમ્મેદારીયાં હોતી હૈ….અહીં વાત આપણે અમિતાભ, જયા અને રેખાનાં પ્રણય ત્રિકોણનાં સિલસિલાની નથી કરવી…અહીં વાત પ્રેમિકા અને પત્નીનાં રોલની કરવી છે.
આજના જમાનામાં આ પ્રણય ત્રિકોણ નવાઈની વાત નથી. હા, સમાજમાં ખુલ્લીને સામે નથી આવતા આવા કિસ્સા, પરંતુ એનો અર્થ એ નથી કે એવું બનતુ નથી. પ્રેમ ગમે ત્યારે, ગમે તેને થઈ શકે છે. ઘણાં પુરુષો ખૂબ જ શિફતથી બંને બાજુ બેલેન્સ કરતાં હોય છે. તેઓ ઘરમાં પોતાની પત્નીને પણ એટલી જ ખુશ રાખતા હોય છે, જેટલી ખુશ તેમના નવા પ્રેમ એટલે કે પ્રેમિકાને રાખતા હોય છે. તેમ છતાં જાણે અજાણે કમ્પેરિઝન તો થઈ જ જતી હોય છે. જ્યારે એક પુરુષ આવી કમ્પેરિઝન કરે ત્યારે હંમેશા પ્રેમિકાનું પલ્લુ ભારે રહેતુ હોય છે. તેને બંને સ્ત્રીઓમાં પ્રેમિકા વધારે પસંદ પડે છે. તેનું મુખ્ય કારણ તેની લાઈફ સ્ટાઈલ અને જવાબદારી હોય છે.
કોઈ પણ પતિને તેની પત્ની શરૂઆતનાં સમયમાં ખુબ જ યોગ્ય લાગતી હોય છે. કેમ ન લાગે, કારણ કે ઢગલાબંધ છોકરીઓ જોયા પછી એક પસંદ કરી હોય તો તે ગમવાની તો હોય જ ને…! જ્યારે વ્યક્તિ લગ્ન કરવાની હોય ત્યારે તેનાં માઈન્ડમાં એક ફિક્સ ફ્રેમ હોય છે, કે મારી લાઈફ પાર્ટનર આવી હોવી જોઈએ અને તેનામાં આ ક્વોલિટી હોવી જોઈએ. લગ્ન થઈ ગયા પછી જ્યારે બંને ભેગા થઈને સંસાર ચલાવવાનો આવે અને જવાબદારીઓ વધે ત્યારે પેલી પસંદગી વખતની તમામ ક્વોલિટી કામમાં આવતી નથી. ત્યારે પત્ની ઘરકામ કરનારનાં સ્વરુપમાં પણ સાક્ષાત્કાર થાય છે અને બાળકો પાછળ ભાગતી, ઉંચ્ચા વાળ બાંધીને અસ્ત વ્યસ્ત દુપટ્ટા ભરાવીને પતિને ગરમા ગરમ રોટલી પીરસતી જોવા મળે છે. પતિ ઓફિસ જાય ત્યાં સુધી બાળકો અને પતિની સેવામાં દોડભાગ કરતી પોતાના સ્વરુપ સામે ધ્યાન ન આપતી પત્ની અને જ્યારે પતિ ઘરે આવે ત્યારે આખા દિવસ તેના ઘર અને જવાબદારીઓ પૂરી કરીને થાકેલી હારેલી જોવા મળે. વળી, પતિએ જે રકમ આપી હોય તેમાં ઘરનાં તમામ ખર્ચા પૂરા કરવામાં તે પતિ સામે સ્માઈલ કરવાનું પણ ભૂલી જતી હોય છે. આ પરિસ્થિતિમાં જો દરરોજ પત્નીને જોતો પતિ હંમેશા તેની પર મોહી પડે તે શક્ય નથી.
જ્યારે પ્રેમિકાને પતિની કે પતિનાં ઘરની કોઈ જવાબદારીઓનાં બોઝા નીચે દબાવવાનું હોતુ નથી. તેના ભાગમાં સરસ મજાની ફટાકડી થઈને પ્રેમી સાથે હરવા ફરવાનું જ વધારે હોય છે. તેને સાથ નિભાવવાના રોલમાં પણ સારા વચનો બોલવાનો રોલ વધારે આવતો હોય છે, જ્યારે પત્નીનાં ભાગમાં વચનો નિભાવવાનો રોલ પ્રાયોરિટીમાં હોય છે. આ પરિસ્થિતિમાં પત્ની અને પ્રેમિકાની કમ્પેરીઝનમાં પ્રાથમિક દ્રષ્ટિએ પતિ પ્રેમિકાને પ્રાધાન્ય આપે તે સહજ છે. જો તે ઉંડાણમાં સમજી શકે તો તેને બંનેની એક સરખી કદર થઈ શકે છે. રેખા અને જયા બચ્ચનનો ફોટો પણ એ જ દર્શાવે છે કે જવાબદારીઓ અનુભવી બને છે એટલે વૃધ્ધત્વ છલકાય છે અને પ્રેમ એવોને એવો સુંદર લાગે છે. બીજી દ્રષ્ટિએ પત્ની ઓવર સિક્યોરિટીમાં વર્તન,વાણી અને અનુભૂતિમાં ધ્યાન નથી આપતી. જ્યારે પ્રેમિકા હંમેશા સમયસર હૂંફ અને સહારો આપતી જોવા મળે છે. આ કારણે પણ પતિનો ઝૂકાવ પ્રેમ તરફ વધુ રહી શકે…વિચાર કરી જો જો.
પ્રકૃતિ ઠાકર