લાંબા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં વાહનોમાં ૬ એરબેગ ફરજિયાત કરવામાં આવશે. પરંતુ હવે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ મામલે મોટી જાહેરાત કરી છે, નીતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર વાહનોમાં ૬ એરબેગ ફરજિયાત નહીં કરે. યાદ કરો કે ગયા વર્ષે, લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સરકારે ઓક્ટોબર ૨૦૨૩થી ૬ એરબેગ્સ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એટલું જ નહીં, ગયા વર્ષે MoRTH એટલે કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે વાહનોમાં લોકોની સુરક્ષા વધારવા માટે, સેન્ટ્રલ મોટર વ્હીકલ નિયમો ૧૯૮૯ હેઠળ સુરક્ષા સુવિધાઓ વધારવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
માર્ગ અકસ્માતોને કારણે વાહનમાં સવાર લોકોને થતા નુકસાનને ઘટાડવા માટે, દેશમાં વેચાતા વાહનોના આગળના ભાગે બે એરબેગ્સ ૧ એપ્રિલ, ૨૦૨૧થી ફરજિયાત બનાવવામાં આવી હતી. મતલબ કે તમામ કાર માટે સ્ટાન્ડર્ડ ૨ એરબેગ્સ હોવી ફરજિયાત છે. નીતિન ગડકરીએ તાજેતરમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન આ માહિતી આપી હતી. નીતિન ગડકરીએ કહ્યું કે લોકો હવે જાગૃત થઈ ગયા છે, જેના કારણે હવે ૬ એરબેગ્સનો નિયમ ફરજિયાત બનાવવામાં આવશે નહીં. રોઇટર્સના અહેવાલ મુજબ, ગયા વર્ષે સરકારે અંદાજ લગાવ્યો હતો કે ચારથી વધુ એરબેગ્સ ઉમેરવા માટે વાહન દીઠ $૭૫ (અંદાજે રૂ. ૬,૨૨૧) કરતાં વધુ ખર્ચ થશે નહીં. પરંતુ બીજી તરફ, ઓટો માર્કેટ ડેટા પ્રોવાઈડર JATO ડાયનેમિક્સ કહે છે કે આમ કરવાથી ખર્ચમાં ઓછામાં ઓછો $૨૩૧ (અંદાજે રૂ. ૧૯,૧૬૧)નો વધારો થશે.