શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર ગયા ગુરુવારના દિવસે ભીષણ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદથી જવાબી કાર્યવાહીના ભાગરુપે ભારતે એક પછી એક પગલા પાકિસ્તાન સામે અને કટ્ટરપંથીઓ સામે લેવાનો સિલસિલો જારી રાખ્યો છે. આજે ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ તથા સીઆરપીએફે કટ્ટરપંથીઓ અને ત્રાસવાદી તરફ પ્રેરિત થયેલા કાશ્મીરી યુવાનોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. સેનાએ સાફ શબ્દોમાં ચેતવણી આપતા આજે કહ્યું હતું કે, ભટકી ગયેલા યુવાનોને શરણાગતિ સ્વીકારી લેવાની જરૂર છે. જો ગેરમાર્ગે દોરાયેલા કાશ્મીરી યુવાનો ત્રાસવાદ સામેના ઓપરેશનમાં કોઇપણરીતે અડચણરુપ બનશે તો તેમને ગોળી મારી દેવીની તેમને ફરજ પડશે.
સેનાના લેફ્ટી જનરલ કેજેએસ ધિલ્લોને ભટકી ગયેલા કાશ્મીરી યુવાનોની માતાઓને તથા તેમના વાલીઓને અપીલ કરતા કહ્યું હતું કે, પોતાના બાળકોને જે ત્રાસવાદી સંગઠન સાથે જાડાયેલા છે તેમને શરણાગતિ સ્વીકારવા મનાવી લેવામાં આવે. જા આનું નહીં કરે તો સેના તેમને મારીને ખાત્મો કરવા માટે મજબૂર બનશે. પાકિસ્તાની સેનાના એક હિસ્સા તરીકે જૈશે મોહમ્મદ હોવાનો દાવો પણ સેનાએ કર્યો હતો. પત્રકાર પરિષદમાં સેનાના લેફ્ટી જનરલ ઉપરાંત સીઆરપીએફના આઈજી ઝુલ્ફીકાર હસન અને જમ્મુ કાશ્મીર પોલીસના વડા પણ ઉપસ્થિત રહ્યા હતા. ધિલ્લોને કહ્યું હતું કે, કેટલાય ગાઝી આવ્યા અને કેટલાક જતા રહ્યા છે. તેમને આવી જ રીતે હેન્ડલ કરવામાં આવશે. ખીણમાં ઘુસણખોરી કરી ચુકેલાઓને જીવિત છોડવામાં આવશે નહીં. જેશે મોહમ્મદ પાકિસ્તાની સેનાના એક હિસ્સા તરીકે હોવાની પણ તેઓએ વાત કરી હતી. તેમણે દાવો કરતા કહ્યુ હતુ કે જેશના ત્રણ કમાન્ડરને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. આ હુમલામાં કોણ સામેલ હતા તેમની યોજના શુ હતી તે અંગે અમે માહિતી આપવા ઇચ્છુક નથી.
હુમલામાં પાકિસ્તાની સેનાની ૧૦૦ ટકા સંડોવણી રહી છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યુ હતુ કે તેઓ જમ્મુ કાશ્મીરમાં વાલીઓ અને ખાસ કરીને માતાઓને અપીલ કરે છે કે પોતાના બાળકોને સમજાવવામાં આવે. ખોટા રસ્તા પર જતા રહેલા યુવાનોને શરણાગતિ સ્વિકારી લેવા માટે કહેવામાં આવે. મુખ્ય ધારામાં પરત ફરે. કાશ્મીરમાં જે પણ બંદુક ઉઠાવશે તેને ઠાર કરવામાં આવશે. શરણાગતિ સ્વીકારી રહેલા યુવાનો માટે સારા કાર્યક્રમ ચાલી રહ્યા છે. જો કે ત્રાસવાદીઓના હુમલામાં સામેલ રહેલા યુવાનો માટે કોઇ દયા રાખવામાં આવનાર નથી. ઓપરેશન દરમિયાન સહકાર આપવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. સેનાના લેફ્ટી. જનરલે કહ્યુ હતુ કે પુલવામા હુમલાના ૧૦૦ કલાકની અંદર જ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. લેફ્ટી. જનરલ ઢિલ્લોને કહ્યુ હતુ કે કેટલાય ગાઝી આવ્યા છે અને જતા રહ્યા છે. અમે તેમને એવી રીતે જ હેન્ડલ કરનાર છીએ. તેમણ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે જે પણ ખીણમાં ઘુસી જશે તે જીવિત પરત ફરશે નહીં. તેમણે કબુલાત કરી હતી કે ખીણમાં ઘુસણખોરી જારી છે. જા કે ઘુસણખોરીમાં ઘટાડો થયો છે. કાશ્મીરી બાળકોને કોઇ તકલીફ ન પડે તે માટે હેલ્પલાઇન ચાલી રહી છે.
પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ ગાજી ઉર્ફે કામરાનને ઠાર કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓ સામે ઓપરેશન વેળા ગઇકાલે ફરી એકવાર સ્થાનિક લોકોએ સેનાની કાર્યવાહી આડે અડચણો ઉભી કરવાના પ્રયાસ કર્યા હતા. ભારતીય સુરક્ષા દળો પર હાલમાં પથ્થરમારો કરીને સ્થાનિક લોકોએ ફરી પ્રશ્નો ઉઠાવ્યા હતા. સ્થાનિક લોકોને વારંવાર જતા રહેવા માટે સુરક્ષા દળોએ અપીલ કરી હોવા છતાં આ લોકોએ અડચણો ઉભી કરવામાં પ્રયાસો કર્યા હતા. જેથી સુરક્ષા દળો સામે અડચણો ઉભી થઈ હતી. સ્થાનિક પથ્થરબાજાને જડબાતોડ જવાબ આપવામાં સુરક્ષા દળો કેમ ખચકાઈ રહ્યા છે તેવા પ્રશ્નો પણ હવે થઈ રહ્યા છે. કારણ કે આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં મદદરૂપ થનાર તમામ પણ આતંકવાદી અને દેશના દુશ્મન હોવાની વાત સેનાના ટોપ અધિકારીઓ પણ કરી ચુક્યા છે ત્યારે પથ્થરબાજા સામે પણ અતિ કઠોર કાર્યવાહી કરવાની માંગ સતત ઉઠી રહી હતી.