નવી દિલ્હી : દેશમાં પ્રથમ વખત મિલિટરી પોલીસમાં યુવતિઓની ભરતી કરવામાં આવી રહી છે. આને લઇને યુવતિઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લખનૌ કેન્ટના માર્ગો પર આ બાબતને રદિયો મળી ગયો હતો કે યુવતિઓ યુવકો કરતા કોઇ પણ ક્ષેત્રમાં આજે પાછળ રહી ગઇ છે. અહીંના એએમસી સ્ટેડિયમ ખાતે સવારે છ વાગ્યાથી મહિલાઓ મિલિટરી પોલીસમાં ભરતી થવા માટેના મક્કમ ઇરાદા સાથે પહોંચી ગઇ હતી. જેમ જ ઇશારો કરવામાં આવ્યો તેમ તમામ યુવતિઓએ દોડ લગાવી હતી. દોડ કુદ, પુશ અપ અને કેટલીક અન્ય પ્રવૃતિઓ યુવતિઓ કરતી નજરે પડી હતી.
આ તમામ ક્ષેત્રોમાં યુવતિઓએ પોતાની તાકાત દર્શાવી હતી. જાશ અને જુસ્સામાં ભરેલી યુવતિઓની ભીડ સેના પોલીસમાં ભરતી થવા માટે ઉમટી પડી હતી. સામાન્ય રીતે તો સેનામાં યુવતિઓ પહેલાથી જ ભરતી થઇ રહી છે. પરંતુ પ્રથમ વખત સેનામાં સિપાહી માટે યુવતિઓની ભરતી થઇ રહી છે. સેનિક જીડી માટે પ્રથમ વખત ભરતી કરવામાં આવી રહી છે. મિલિટરી પોલીસમાં જવાન સાથે જોડાયેલી પોસ્ટ માટે આ ભરતી કરવામાં આવી રહી છે. પ્રથમ દિવસે સેનાએ ૪૧ જિલ્લાની ૧૮૮૪ યુવતિઓ માટે ઓનલાઇન પ્રવેશ પત્રજારી કરવામાં આવ્યા હતા. આમાંથી આશરે ૬૦૦ યુવતિઓ ભરતી રેલીમાં ભાગ લેવા માટે પહોંચી હતી. સવારે ચાર વાગ્યાથી તેમના દસ્તાવેજા અને પ્રવેશ પત્રને લઇને તપાસ કરવામાં આવ્યા બાદ ટોકન નંબર જારી કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ દોડ શરૂ કરવામાં આવી હતી. ઉચાઇના મામલે તમામ યુવતિઓ સફળ રહ્યા બાદ ૧૦૦-૧૦૦ના ગ્રુપમાં યુવતિઓની દોડ થઇ હતી. ૪૦૦ મીટરની દોડ માટે રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા બાદ યુવતિઓને તેમાં દોડવા માટે કહેવામાં આવ્યુ હતુ. ચાર રાઉન્ડને ૭.૩૦ મિનિટથી આઠછ મિનિટમાં પૂર્ણ કરવા માટે એક ગ્રુપ અને ૭.૩૦ મિનિટમાં રાઉન્ડ પૂર્ણ કરવા માટે એક ગ્રુપની રચના કરવામાં આવી હતી. દોડમાં આના કરતા વધારે સમય લેનાર યુવતિઓને પહેલા જ નિષ્ફળ જાહેર કરી દેવામાં આવી હતી. ત્યારબાદ સફળ રહેલી યુવતિઓના હાથમાં મહોર મારવામાં આવી હતી. તેમના બાયોમેટ્રિક નોંધણીની પ્રક્રિયા ત્યારબાદ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ ૧૦ ફુટના લોંગ જંપની સ્પર્ધા યોજાઇ હતી. ત્યારબાદ તેમાં સફળ થનારી યુવતિઓના અન્ય પ્રકારના ટેસ્ટ લેવામાં આવ્યા હતા. આ યુવતિઓને ત્રણ ફુટની ઉંચાઇ પરથી જંપ કરાવવામાં આવ્યા હતા. આ જંપમાં દરેક યુવતિને ત્રણ પ્રયાસ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. સફળ રહેલી યુવતિઓના હવે ૧૫મી સપ્ટેમ્બરના દિવસે મેડિકલ ટેસ્ટ કરવામાં આવનાર છે. ત્યારબાદ લેખિત પરીક્ષા યોજવામાં આવશે. લેખિત પરીક્ષા ઓક્ટોબર મહિનામાં થનાર છે.