નવીદિલ્હીઃ અબજો રૂપિયાના લોન ડિફોલ્ટ મામલામાં કાયદાકીય ગુંચવણનો સામનો કરી રહેલા શરાબ કારોબારી વિજય માલ્યાએ લંડનની વેસ્ટમિન્સટર કોર્ટમાં સુનાવણી બાદ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, તેઓએ કોઇપણ દયા અરજી માટે રજૂઆત કરી નથી.
આ ગાળા દરમિયાન વિજય માલ્યાએ એમ પણ કહ્યું હતું કે, તેઓ ૨૦૧૫થી જ પોતાના બાકી નાણાને ચુકવવા માટે તૈયાર છે. તેમના ઉપર મુકવામાં આવેલા મની લોન્ડરિંગ અને છેતરપિંડીના આક્ષેપો આધાર વગરના છે. વિજય માલ્યાને પ્રત્યાર્પણના મામલામાં જામીન આપવામાં આવ્યા છે. આ મામલાની આગામી સુનાવણી ૧૨મી સપ્ટેમ્બરના દિવસે હાથ ધરવામાં આવનાર છે.
માલ્યા ભારતમાં છેતરપિંડીના આરોપોમાં વોન્ટેડ રહેલા છે. કિંગફિશર એરલાઈન્સના પૂર્વ માલિક વિજય માલ્યા દ્વારા છેતરપિંડી અને આશરે ૯૦૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગના આરોપોમાં પ્રત્યાર્પણના ભારતના પ્રયાસો સામે લડત ચલાવવામાં આવી રહી છે. માલ્યા ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ધરપકડ બાદથી જામીન ઉપર છે. માલ્યા પોતાના પુત્ર સિદ્ધાર્થની સાથે કોર્ટમાં પહોંચ્યો હતો. સુનાવણીથી પહેલા પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, આ સંદર્ભમાં અંતિમ નિર્ણય કોર્ટ દ્વારા જ કરવામાં આવશે. ૭મી એપ્રિલના દિવસે છેલ્લી સુનાવણી દરમિાયન કેન્દ્રીય તપાસ બ્યુરો સીબીઆઈને તે વખતે સફળતા મળી હતી જ્યારે જજ આરબ થનાટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ભારતીય અધિકારીઓ દ્વારા જે પુરાવા સોંપવામાં આવ્યા છે તે મામલામાં સ્વીકાર્ય રહેશે.
સીબીઆઈએ બ્રિટનની કોર્ટમાં અનેક દસ્તાવેજો સોંપ્યા છે જેમાં આઈડીબીઆઈ બેંકના પૂર્વ નિર્દેશક બીકે બત્રાની સામે કાવતરાનો મામલો પણ છે. બત્રાનો કોર્ટમાં મામલામાં નવા ખલનાયક તરીકે ઉલ્લેખ કરાયો છે. વિજય માલ્યાના બચાવ પક્ષનું નેતૃત્વ બેરિસ્ટર ક્લેયર માંટ ગોમરી કરી રહ્યા છે.