ધ કપિલ શર્મા શો’ દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે સ્ક્રીન પર ”ઉસ્તાદ ઘરચોરદાસ’ સહિતના વિવિધ પાત્રોથી ચાહકોને હસાવનાર એક્ટર સિદ્ધાર્થ સાગરે શો છોડી દીધો છે. તો કહેવામાં આવી રહ્યું છે કે ફીમાં વધારો ન થવાને કારણે તેણે આ ર્નિણય લીધો છે. જો કે હવે આ મામલે સિદ્ધાર્થ સાગરનું રિએક્શન પણ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને સિદ્ધાર્થે આ અહેવાલોને સંપૂર્ણપણે રદિયો આપ્યો હતો અને ફેન્સને આ પ્રકારના રિપોર્ટ પર વિશ્વાસ ન કરવાની સલાહ આપી હતી. ગુરુવારે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને સિદ્ધાર્થે તેનો જવાબ આપ્યો હતો. શેર કરેલા વીડિયોમાં સિદ્ધાર્થ કાર ચલાવતો જોવા મળે છે. શો વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ‘હું તમને બધાને એક સમાચાર આપવા આવ્યો છું. હાલમાં જ એક સમાચાર વાઇરલ થઇ રહ્યા છે કે મેં કપિલ શર્મા શો છોડી દીધો છે, એવું બિલકુલ નથી. મને ખબર પણ નથી કે આ સમાચાર ક્યાંથી ફેલાયા. હું મીડિયાને વિનંતી કરું છું કે આ પ્રકારના કોઈ સમાચારોને પ્રમોટ ન કરે.
સિદ્ધાર્થે વધુમાં જણાવ્યું હતું કે, હું એસકે ટીવીમાં કામ કરું છું. મેં ટીમના બધા જ સભ્યો સાથે વાત કરી છે, એવું કંઈ નથી. દરેકને વિનંતી છે કે આ પ્રકારના સમાચાર બિલકુલ ન ફેલાવો. હું આ શો ખૂબ જ મસ્તીથી કરી રહ્યો છું અને હું તમારા બધાનું મનોરંજન કરી રહ્યો છું. મારા નિર્માતાઓ સાથે પણ સારા સંબંધો છે, અમે સાથે મળીને આ જ રીતે તમારું મનોરંજન કરવાનું ચાલુ રાખીશું. સિદ્ધાર્થ ૮ વર્ષની ઉંમરથી સ્ટેજ પર કામ કરે છે. ૧૩ વર્ષની ઉંમરે તેણે ‘કોમેડી સર્કસઃ ચિંચપોકલી ટુ ચાઇના’થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. તેણે વિવિધ કોમેડી શો જેવા કે ‘કોમેડી સર્કસ’, ‘છોટે મિયાં બડે મિયાં’, ‘લાફ્ટર કે ફટાકે’ ‘કોમેડી સર્કસ કે અજૂબે’ જેવા શોમાં કામ કર્યું છે. સિદ્ધાર્થ થોડાં વર્ષ પહેલાં ડ્રગ્સના રવાડે ચઢી ગયો હતો અને તેથી જ તેની માતાએ તેને રિહેબ સેન્ટરમાં મોકલ્યો હતો. ૨૦૨૦માં તેણે ‘ગેંગ્સ ઑફ ફિલ્મીસ્તાન’થી કમબેક કર્યું હતું. જોકે, ૨૦૨૧માં સિદ્ધાર્થ ફરી ડ્રગ્સ લેવા લાગ્યો હતો અને તે બીજીવાર રિહેબ સેન્ટરમાં ગયો હતો. સિદ્ધાર્થ સાગર પહેલા ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક, સુનીલ ગ્રોવર, અલી અસગર, ઉપાસના સિંહ, ચંદન પ્રભાકરે આ શો છોડી દીધો છે. તો થોડા સમય પહેલાં ક્રિષ્ના અભિષેકે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે અને કપિલ ફરીથી સાથે આવવાની યોજના બનાવી રહ્યા છે. કૃષ્ણાએ વધુમાં જણાવ્યું હતું કે, તેમની અને કપિલ વચ્ચે કોઈ મતભેદ નથી. બંને ઘણા સમયથી સાથે કામ કરવાનું વિચારી રહ્યા હતા. એવું માનવામાં આવે છે કે કૃષ્ણા કપિલ શર્મા શોની આગામી સિઝનમાં વાપસી કરી શકે છે.