બંગાળમાં હિંસા વચ્ચે ૬૯૬ બૂથ પર પુનઃ મતદાન શરુ, તમામ બૂથો પર કેન્દ્રીય દળ તૈનાત

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં થયેલ હિંસા બાદ આજે કેટલીક જગ્યાઓ પર પુનઃ મતદાન યોજાવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ બંગાળના ૨૨માંથી ૧૯ જિલ્લામાં કુલ ૬૯૬ બૂથ પર આજે વહેલી સવારથી પુનઃ મતદાન શરૂ થઈ ગયું છે. હિંસાની આશંકા વચ્ચે સોમવારે સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે આ સાથે દરેક મતદાન મથકો પર કેન્દ્રીય દળ તૈનાત કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ કોર્પ્સની તૈનાતી વચ્ચે મતદાન દરમિયાન ઘણા બૂથ પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે.

પશ્ચિમ બંગાળમાં ગઈકાલે પંચાયત ચૂંટણી માટે મતદાન યોજાયું હતુ જે દરમિયાન સમગ્ર રાજ્યમાં હિંસા ભડકી ઉઠી હતી અને આ મામલે મમતા સરકાર પર બીજેપીએ લોકોની સુરક્ષાના પણ સવાલો ઉઠાવ્યા હતા. જો કે ગઈકાલે ચૂંટણી વચ્ચે થયેલી હિંસા બાદ અનેક જગ્યાએ મદતાન કેન્દ્રો પર પણ આગ લગાવી દેવાની ઘટના સામે આવી હતી તો કેટલીક બૂથો પર મતદાન થવા દેવામાં આવ્યુ ન હતુ. આ સાથેચૂંટણી હિંસામાં અનેક લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે તે સાથે જ અનેક વિસ્તારોમાં બોમ્બ બ્લાસ્ટ પણ થયા હતા. પંચાયતની ચૂંટણી અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં રાજકીય હિંસાનો માહોલ ગરમાયો છે. ઓછામાં ઓછા ૨૧ લોકોની હત્યા કરવામાં આવી છે. જિલ્લામાં મત લૂંટના ચિત્રો જોવા મળ્યા હતા. મતદાન પૂર્ણ થયા બાદ રાજ્ય ચૂંટણી પંચે જિલ્લા વહીવટીતંત્ર પાસેથી રિપોર્ટ માંગ્યો હતો અને તે રિપોર્ટની તપાસ કર્યા બાદ પંચે સોમવારે ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો હતો જે બાદ આજ સવારથી જ મતદાન શરૂ થઈ ગયું છે. પુનઃચૂંટણીમાં આ ચિત્ર રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળ્યું હતું. લોકો તેમના લોકશાહી અધિકારોનો ઉપયોગ કરવા માટે સૂર્ય અને વરસાદને બહાદુરી સાથે લાંબી કતારોમાં ઉભા છે.

કેન્દ્રીય દળોની સુરક્ષાને કારણે મતદારોનો આત્મવિશ્વાસ વધ્યો છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર, મુર્શિદાબાદ જિલ્લામાં સૌથી વધુ ૧૭૫ બૂથ પર ફરીથી મતદાન થઈ રહ્યું છે. આ પછી માલદા જિલ્લામાં (૧૦૯ બૂથ), કૂચ બિહાર (૫૩ બૂથ), નાદિયા (૮૯ બૂથ), ઉત્તર ચોવીસ પરગણા (૪૬ બૂથ)માં મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત પૂર્વ મેદિનીપુરમાં ૩૧, હુગલીમાં ૨૯, દક્ષિણ ચોવીસ પરગનામાં ૩૬ બૂથ પર પુનઃ મતદાન યોજાઈ રહ્યું છે. પૂર્વ મેદિનીપુરના જે બૂથ પર ફરીથી મતદાન થઈ રહ્યું છે, તેમાં નંદીગ્રામમાં પણ બે બૂથ છે. આ સિવાય ઉત્તર દિનાજપુરમાં ૪૨ બૂથ, પશ્ચિમ મેદિનીપુરમાં ૧૦ બૂથ, હાવડામાં ૮ બૂથ પર ફરીથી મતદાન થઈ રહ્યું છે. ઝારગ્રામ, કાલિમપોંગ, દાર્જિલિંગ જિલ્લાના બૂથ પર ફરીથી ચૂંટણીનો આદેશ આપવામાં આવ્યો નથી.  દરમિયાન, ચૂંટણી પછી સતત હિંસા થઈ રહી છે. દિનહાટામાં કોંગ્રેસના ઉમેદવારના ઘરે કથિત રીતે ગોળીઓ અને બોમ્બ ફેકવામાં આવ્યા હતા. અગાઉ આ વિસ્તારમાંથી રાતોરાત શોધખોળ દરમિયાન પણ બોમ્બ મળી આવ્યા હતા.

Share This Article