મુંબઈ : અનિલ ધીરુભાઈ ગ્રુપ કંપનીઓના શેરમાં આજે ઇન્ટ્રા ડેના કારોબાર દરમિયાન જોરદાર ઉછાળો રહ્યા બાદ કારોબારીઓ આશાસ્પદ દેખાયા હતા. રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા નિવેદન જારી કરીને સાફ શબ્દોમાં કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચાર સપ્તાહની અંદર જ વ્યાજ સાથે ૫૫૦ કરોડ રૂપિયાની રકમ એરિક્શનને ચુકવી દેવામાં આવશે. ગઇકાલે સુપ્રીમ કોર્ટે કઠોર આદેશ જારી કરીને નાણાં ચુકવવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ ઓફ કંપનીના શેરમાં મોટો કડાકો બોલી ગયો હતો પરંતુ આજે ફરીવાર રિકવરી રહી હતી. ગઇકાલે નુકસાનની રિકવરી થઇ જતાં આ કંપનીઓ સાથે જાડાયેલા કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. સમગ્ર મામલો ૫૫૦ કરોડ રૂપિયાની બાકી રકમ સાથે સંબંધિત છે.
અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણી અને અન્યોની સામે ચુકવણી નહીં કરવા ઉપર ટેલિકોમ સાધન બનાવનાર કંપની એરિક્શને સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરી હતી. જસ્ટિસ આરએફ નરિમન અને જસ્ટિસ વિનીત શરણની બેંચે આ ચુકાદો આપતા કહ્યું હતું કે, અંબાણી અને અન્યોને તિરસ્કારથી બચાવવા માટે એરિક્શનને ચાર સપ્તાહની અંદર ૪૫૩ કરોડ રૂપિયા ચુકવવા પડશે. અત્રે નોંધનીય છે કે, રિલાયન્સ ગ્રુપના પ્રમુખ અનિલ અંબાણીને સુપ્રીમ કોર્ટે ગઇકાલે મોટો ફટકો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે એરિક્શન ઇન્ડિયાની અરજી ઉપર અનિલ અંબાણીને તિરસ્કારના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તિરસ્કારના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ તેમને જંગી દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે અંબાણી ઉપરાંત રિલાયન્સ ટેલિકોમના અધ્યક્ષ સતીષ શેઠ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલના અધ્યક્ષ છાયા વિરાણીને કોર્ટમાં આપવામાં આવેલા નિવેદનો, ખાતરી અને તેની સાથે જાડાયેલા આદેશોના ભંગના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.