અમદાવાદ : રાજય સરકાર દ્વારા અગાઉ ટેકાના ભાવે ખરીદીમાં થયેલા કૌભાંડો બાદ ખેડૂતોના હિતમાં તાત્કાલીક અસરથી ભાવાંતર યોજના લાગુ કરવાની માંગણીનું સરકાર દ્વારા નિરાકરણ નહી આવતા આખરે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ થતાં તેના ઘેરા પ્રત્યાઘાત આજે સામે આવ્યા હતા. આજે રોષે ભરાયેલા વેપારીઓ દ્વારા રાજકોટમાં રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને જારદાર સૂત્રોચ્ચાર અને દેખાવો કરી ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. વેપારીઓએ તેમના અને ખેડૂતોના હિતમાં તાત્કાલિક ધોરણે ભાવાંતર યોજના લાગુ કરવા ઉગ્ર માંગણી કરી હતી.
સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડના વેપારીઓની હડતાળને પગલે તમામ કામગીરી ઠપ્પ થઇ ગઇ છે, તો બીજીબાજુ, હડતાળના કારણે ખેડૂતોની હાલત પણ કફોડી બની છે. સરકારની નીતિ સામે સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશને આંદોલનનું રણશીંગું ફૂંક્યું છે. જે અંતર્ગત ગઇકાલથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરવામાં આવી છે. જેને પગલે કરોડો રૂપિયાના વ્યવહારો અટકી પડયા છે. એક તરફ વેપારીઓ હડતાળ પર ઉતર્યા છે. જ્યારે બીજી તરફ સરકારે ખેડૂતોની ખરીદી માટે નોંધણી શરૂ કરી છે. તા.૧ નવેમ્બરથી તા.૩૦ નવેમ્બર સુધી સરકાર નોંધણી કરશે. જેમાં તા.૧૫ નવેમ્બરથી સરકાર દ્વારા મગફળીની ખરીદી શરૂ કરાશે. આ ખરીદીમાં ગેરરીતિ અટકાવવા માટે સરકારે નવા નિયમો પણ બનાવ્યા છે. જો કે આજે સતત બીજા દિવસે નોંધણી કરાવવામાં ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
સરકાર દ્વારા તા.૧૫ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત કરાઇ છે. પરંતુ મોટાભાગના ખેડૂતોને ટેકાની ખરીદી પહેલા તેમનો માલ વેચી દેવો પડે છે અને ખેડૂતોને રાહત મળતી નથી. યાર્ડના વેપારી સંગઠનોએ ભાવાંતર યોજના લાગુ કરવાની માંગને સરકારે સાંભળી નહી હોઇ ગઇકાલથી સૌરાષ્ટ્રના ૩૦ ઉપરાંત માર્કેટ યાર્ડમાં અચોકકસ મુદતની હડતાળ જાહેર કરાઇ હતી., જેના કારણે કરોડો રૂપીયાના વ્યવહારો અટકી પડયા છે અને બધી કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. ભાવાંતર યોજનાની અમલવારી કરવામાં સરકારની નકારાત્મકતાને લઈને સમગ્ર વેપારી વર્તુળમાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે. અન્ય રાજ્યોમાં સારી રીતે ચાલતી આ વ્યવસ્થાને ગુજરાતમાં અમલવારી માટે વેપારી સંગઠનો માંગ કરી રહ્યા છે. દરમ્યાન રાજકોટમાં તો, રોષે ભરાયેલા વેપારીઓએ રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુના પૂતળાનું દહન કરી જારદાર સૂત્રોચ્ચાર સાથે દેખાવો યોજયા હતા, જેને લઇ વાતાવરણ ગરમાયું હતું. સરકાર ઇરાદાપૂર્વક ભાવાંતર યોજના લાગુ નહી કરી રહી હોવાનો આરોપ પણ વેપારીઓએ લગાવ્યો હતો.