રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બેંકોને જે દરે લોન આપવામાં આવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટમાં વધારાનો અર્થ એ છે કે બેંકોને આરબીઆઈ પાસેથી ઊંચા દરે લોન મળશે. તેનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન વગેરે પર વ્યાજ દર વધશે, જેની સીધી અસર તમારા ઈ.એમ.આઈ પર પડશે. અને આ વખતે વધતી જતી મોંઘવારીને કાબુમાં લેવા માટે બુધવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠક બાદ રેપો રેટમાં ૫૦ બેસિસ પોઈંટનો વધારો કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કરાયો છે. આ વધારાને પગલે હવે રેપો રેટ ૪.૪૦ ટકાથી વધીને ૪.૯૦ ટકા થઈ જશે. આ સમાચારનો મતલબ એમ થાય છેકે, હવે તમારી બેંક લોન ચાલતી હશે તો તેનો હપ્તો એટલેકે, ઈ.એમ.આઈ પહેલાં કરતા વધુ મોંઘી થશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આ જાહેરાત સાથે જ શેરમાર્કેટ પર પણ એની અસર જોવા મળી. સેન્સેક્સમાં ૪૦૦ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મોનિટરિંગ પોલિસી કમિટિની બેઠકમાં આજે મહત્ત્વનો ર્નિણય લેવાયો. જે અંતર્ગત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જેની સીધી અસર બેંકના કરોડો ગ્રાહકો પર થશે. રેપો રેટ વધતા બેંક લોન મોંઘી થઈ જશે. એટલું જ નહીં વ્યાજદર વધવાની સીધી અસર તમારા ઈ.એમ.આઈ પર થશે. ઈ.એમ.આઈમાં પહેલાં કરતા વધારો થશે ઉલ્લેખનીય છેકે, આરબીઆઈ દ્વારા છેલ્લાં એક જ માસમાં બીજીવાર રેપો રેટમાં વધારો કરાયો છે. આ પહેલાં ૪ મેના રોજ આરબીઆઈએ રેપો રેટમાં અચાનક ૪૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. આ સમય દરમિયાન કેશ રિઝર્વ રેશિયો (સી.આર.આર) પણ ૦.૫૦ ટકાથી વધારીને ૪.૫ ટકા કરવાનો ર્નિણય લીધો હતો. દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. દેશમાં મોંઘવારીનો દર સતત ૬ ટકાથી ઉપર રહ્યો છે. ત્યારે વધતી જતી મોંઘવારીને કાબુમાં લેવા માટે અને સામાન્ય લોકોને રાહત આપવા આરબીઆઈ દ્વારા આ ર્નિણય લેવાયો છે.
