નવીદિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે એમ કહીને સરકારને પરેશાનીને વધારી દીધી હતી કે, નોટબંધીના ગાળા દરમિયાનના લગભગ તમામ નાણા અથવા તો ૯૯.૩ ટકા રકમ ફરી છે. આરબીઆઈએ ૨૦૧૭-૧૮ના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે, રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ આની ગણતરી શરૂ કરવામાં આવી હતી. નવેમ્બર ૨૦૧૬માં નોટબંધીનો નિર્ણય કરવામાં આવ્યા બાદ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની નોટ ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી. તેના વાર્ષિક રિપોર્ટમાં રિઝર્વ બેંકે કહ્યું છે કે, ૯૯.૩ ટકા ડિમોનિટાઇઝ નોટ પરત ફરી છે.
એસબીએનની કુલ વૈલ્યુ જે હતી તેની સરખામણીમાં મોટાભાગની રકમ પરત ફરી છે. રિઝર્વ બેંક દ્વારા આજે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રિઝર્વ બેંકે કહ્યું છે કે, બેંકિંગ સિસ્ટમમાં ૯૯.૩ ટકા રકમ પરત ફરી છે. નહીવત જેટલી રકમ સિસ્ટમમાંથી બહાર રહી છે. ભ્રષ્ટાચાર અને કાળા નાણા ઉપર પ્રતિબંધ મુકવાના હેતુસર સરકાર દ્વારા અભૂતપૂર્વરીતે નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નોટબંધીની ચલણ જમા કરવા અથવા તો એક્સચેંજ કરવા માટે સરકાર દ્વારા પુરી પાડવામાં આવેલી લિમિટેડ પિરિયડ વિન્ડોમાં નોટ પરત ફરી છે તેની ગણતરી આરબીઆઈ દ્વારા કરવામાં આવી રહી હતી.
આખરે આ કવાયત પરિપૂર્ણ થઇ ચુકી છે. ૨૦૧૭-૧૮ માટેના વાર્ષિક રિપોર્ટમાં આરબીઆઈએ આ મુજબની વાત કરી છે. ૮મી નવેમ્બર ૨૦૧૬ના દિવસે સરક્યુલેશનમાં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની કિંમતની ૧૫.૪૧ ટ્રિલિયન રૂપિયાની રકમ હતી તે વખતે નોટબંધીની જાહેરાત કરી હતી. આ પૈકીની ૧૫.૩૧ ટ્રિલિયન રૂપિયાની રકમ ફરી ચુકી છે. આનો મતલબ એ થયો કે બેંકિંગ સિસ્ટમમાં માત્ર ૧૦૭.૨૦ અબજ રૂપિયાની રકમ પરત ફરી નથી.
આરબીઆઈ દ્વારા આજે આ અંગેના આંકડા જારી કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ પાર્ટી અને અન્યોને મોટો ફાયદો મળી ગયો છે. ૨૦૧૭-૧૮ દરમિયાન ૨૭.૭ અબજ રૂપિયાની બેંક લોન જમા કરવામાં આવી હતી. ૨૦૧૭-૧૮માં કરન્સી મેનેજમેન્ટના ફોકસમાં કેટલીક બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી. કેશલેસ પ્રયાસો રિમોનિટાઇઝેશન માટે હાથ ધરવામાં આવ્યા હતા. આના ભાગરુપે નવી સિરિઝ હેઠળ ૧૦ રૂપિયા અને ૫૦ રૂપિયાની નવી નોટ જારી કરવામાં આવી હતી. ૨૦૦ રૂપિયાની નવી નોટ પણ જારી કરાઈ હતી.