ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન ચાલુ છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છની ૮૯ બેઠકો માટે મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ પણ ચૂંટણીમાં ઝંપ લાવ્યું છે અને તેઓ જામનગર (ઉત્તર) બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બધા વચ્ચે રવિન્દ્ર જાડેજાએ શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેનો એક જૂનો વીડિયો ગઈ કાલે શેર કર્યો હતો. શું છે બાળ ઠાકરેના વીડિયોમાં?… રવિન્દ્ર જાડેજાએ શેર કરેલા વીડિયોમાં બાળ ઠાકરે એવું કહેતા જોવા મળી રહ્યા છે કે ‘નરેન્દ્ર મોદી ગયા તો ગુજરાત ગયા’.
રવિન્દ્ર જાડેજા તરફથી શેર કરાયેલા આ જૂના વીડિયોમાં બાળ ઠાકરે ગુજરાતીઓને સમજાવતા જોવા મળી રહ્યા છે. અત્રે જણાવવાનું કે રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા જામનગર (ઉત્તર)થી ચૂંટણીના મેદાનમાં છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને કહ્યું કે ‘હજુ પણ સમય છે સમજી જાઓ ગુજરાતીઓ’. અત્રે જણાવવાનું કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પત્ની રિવાબા જાડેજા માટે ખુબ પ્રચાર પ્રસાર કર્યો છે. ભાજપે રિવાબા જાડેજાને હાલના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની જગ્યાએ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં પંચવટી કોલેજ ખાતે મતદાન કર્યું. મતદાન કરતી વખતે રિવાબા જાડેજા પણ સાથે ઉપસ્થિત હતા. રિવાબા જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રવિન્દ્ર જાડેજાએ જામનગરની જનતા અને યુવાઓને મતદાન કરવા માટે અપીલ કરી. મતદાન પૂર્વે રવિન્દ્ર જાડેજા અને રિવાબા જાડેજાએ મંદિરમાં દર્શન કર્યા.