અમદાવાદ: અમદાવાદ શહેરમાં આગામી તા.૪થી જૂલાઈના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રાને લઇ ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે સરસપુર રણછોડરાય મંદિર ખાતે ભારે હર્ષોલ્લાસ અને ભકિતમય માહોલ વચ્ચે હજારો શ્રધ્ધાળુ ભકતોની ઉપસ્થિતિમાં મોસાળા(મામેરા)ના દર્શન યોજાયા હતા. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીને મોસાળામાં આપવામાં આવનાર શણગારના લોકોએ દર્શન કર્યા હતા. ભાણિ-ભાણિયાઓના મામેરાના દર્શન માટે શ્રદ્ધાળુઓએ કડીયાવાડથી મંદિર સુધી લાઈન લગાવી હતી.
સાંજે ૪ થી રાતે ૯.૩૦ સુધી મામેરાના શણગાર સરસપુર રણછોડ મંદિરમાં લોક દર્શનાર્થે મૂકવામાં આવ્યા હતા. આ મામેરામાં સોનાનો ઢોળ ચઢાવાયેલો દોઢ કિલોનો હાર, સોનાની ૩ વીંટી અને ત્રણ દોરા સહિતના સુંદર, આકર્ષક અને મનમોહક અલંકારિક વ†ો અને આભૂષણો સહિતના સાજ શણગારનો સમાવેશ થાય છે. આજના મામેરા દર્શનનાર પવિત્ર પ્રસંગે મેઘરાજા પણ સરસપુરમાં ભગવાનના મોસાળમાં મન મૂકીને વરસ્યા હતા અને જાણે ભગવાનને આશીર્વાદ આપવા જાણે ખુદ મેઘરાજાએ સ્વયં પધરામણી કરી હોય તેવો માહોલ સર્જાયો હતો. મેઘરાજાની પધરામણીને લઇ આજના પ્રસંગમાં ઉમટેલા હજારો શ્રધ્ધાળુ ભકતોએ તેને ભારે શુકનવંતા ગણાવી મામેરાના દર્શન માટે રીતસરની પડાપડી કરી હતી. હજારો શ્રધ્ધાળુઓએ ખાસ કરીને મહિલાઓએ સરસપુર કડિયાવાડથી લઇ રણછોડરાયજી મંદિર સુધી લાંબી લાઇનો લગાવી હતી.
મામેરા દર્શનના આજના પવિત્ર દિવસે સરસપુર રણછોડરાયજી મંદિર ખાતે સાંજે ૪-૦૦ વાગ્યાથી રાતે ૯-૩૦ વાગ્યા સુધી ભાણેજોને ફળોનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો.આ વર્ષે ભગવાન જગન્નાથનું મામેરૂં કરવાનો લ્હાવો શાહીબાગમાં રહેતા કાનજી પટેલને મળ્યો છે. ૨૦ વર્ષ અગાઉ તેમણે ભગવાનના મામેરા માટે નામ નોંધાવ્યું હતું. પરંતુ ૨૦ વર્ષના લાંબા સમય બાદ પટેલ પરિવારને આ સદનસીબ પ્રાપ્ત થયું છે. જેને લઇ પટેલ પરિવાર ભારે ઉત્સાહિત અને ભકિતની લાગણી અનુભવી રહ્યો છે. ભાણિ-ભાણિયાઓનું મામેરૂં કરવાની તક પ્રાપ્ત થઇ તેને પોતાના જીવનની ધન્યતા અને સદ્ભાગ્યતા કાનજીભાઇએ ગણાવી હતી. કાનજીભાઈએ જણાવ્યું કે, જગતના નાથનું મામેરૂં કરવાની મારી ખૂબ ઈચ્છા હતી. આજથી ૨૦ વર્ષ પહેલા જેમણે મામેરૂં કર્યું હતું, તે જોઈને મને ઈચ્છા થઈ હતી કે, હું પણ આ રીતે મામેરૂં કરૂ, ત્યારે મેં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે આખરે મારો નંબર લાગ્યો છે. જે માટે હું મારી જાતને નસીબદાર ગણું છું. આ મામેરા પાછળ લગભગ રૂ.૧૦ લાખ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. આ મામેરા માટે ભગવાનના વાઘા શહેરના ઘી કાંટા વિસ્તારમાં માં રહેતા યતીનભાઈ પટેલે બનાવ્યા છે. ભગવાનના વાઘામાં મુગટ, પિછવાઈ, પાથરણું, ધોતી, ખેસ, બખ્તર વગેરે છે. વાઘા બનાવતા તેમને ૩૫ દિવસ થયા હતા.
આશરે ૫૦ હજારના વાઘા ભગવાનને ચઢાવવામાં આવશે. ભગવાનના વાઘામાં ગજરાજ પણ મુકવામાં આવ્યા છે. ૨૦૧૭માં પણ મામેરાના વાઘા તેમણે બનાવ્યા હતા. આ સિવાય ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના ખૂબ જ સુંદર વ†ો, અલંકારિક આભૂષણો, પાર્વતી શણગાર, દર-દાગીના સહિતના સાજ-શણગાર શ્રધ્ધાળુ ભકતોનું મન મોહી લેતા હતા. હવે આ ભવ્ય મામેરૂ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ જયારે નગરચર્યાએ નીકળી બપોરે મોસાળમાં સરસપુર ખાતે આવશે ત્યારે તેઓને ભારે ભકિતભાવ સાથે અર્પણ કરવામાં આવશે. ચોથી જુલાઈના દિવસે રથયાત્રા યોજાશે.