અમદાવાદ : ભગવાન જગન્નાથજી મંદિરમાં વહેલી પરોઢે ચાર વાગ્યે મંગળા આરતી થઇ તે પહેલાં રાત્રે એક-દોઢ વાગ્યાથી જ ઉત્સાહી શ્રધ્ધાળુ ભકતોનો ધસારો મંદિર તરફ શરૂ થઇ ગયો હતો. જય રણછોડ-માખણચોર, મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે, જય જગન્નાથના નારા અને ધૂન-કિર્તનની જબરદસ્ત રમઝટમાં શ્રધ્ધાળુ ભકતો ભકિતરસમાં તરબોળ બન્યા હતા. સતત દોઢ કલાકથી વધુ ચાલેલી પ્રભુ સંકિર્તન-ધૂનની રમઝટે રથયાત્રાના માહોલની જબરદસ્ત જમાવટ કરી હતી. ચાર વાગ્યે મહંત દિલીપદાસજી મહારાજે ભગવાનની મંગળાઆરતી ઉતારી ત્યારે મંદિરમાં ઉપસ્થિત ભકિતરસમાં ગળાડૂબ બન્યા હતા અને હર્ષાશ્રુ સાથે ભગવાનના આજના અનેરું મહાત્મ્ય ધરાવતા દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે મંગળાઆરતી ટાણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના મહાનુભાવો પરિવાર સાથે હાજર રહ્યા હતા અને આરતીમાં ભાગ લીધો હતો.
જગન્નાથજી મંદિરમાં જયાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની મૂર્તિઓ સ્થાપિત છે,તેની સામેના વિશાળ પટાંગણમાં સેંકડો ભાવિકભકતો દોઢ વાગ્યાથી જ પલાઠી વાળીને ગોઠવાઇ ગયા હતા. બીજીબાજુ, ભગવાનના સ્નાન, શણગાર બાદ પરોઢે ચાર વાગ્યે મંગળા આરતી થાય તે પહેલાં માઇક પર જોરદાર ધૂન-કિર્તનની જોરદાર રમઝટ બોલાવાઇ હતી. જેમાં રાધે રાધે બોલો, ચલે આયેંગે બિહારી, રાધે ક્રિશ્ના-ગોપાલ ક્રિશ્ના, મારા ઘટમાં બિરાજતાશ્રીનાથજી,મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે સહિતની ધૂન અને કિર્તનમાં શ્રધ્ધાળુ ભકતો રીતસરના ઝુમી-નાચી ઉઠયા હતા. મંદિરના પટાંગણમાં ઉમટેલા મંગળાઆરતી પહેલાના શ્રધ્ધાળુ ભકતોમાં સૌથી વધુ હાજરી યુવાધનની હતી,જે સૂચક જણાઇ હતી.
ચાર વાગ્યાના મંગળાઆરતીને ગણતરીની મિનિટો બાકી હતી ત્યારે તે પહેલા મંદિરના પટાંગણની નીચે સીડીઓથી લઇ મંદિરના દરવાજા સુધી લાંબી લાઇનો થઇ ગઇ હતી, એ વખતે ભકતોનો ધસમસતો પ્રવાહ મંદિર તરફ જારદાર રીતે આવતો હતો. જેના કારણે મંદિરમાં આગળ બેઠેલા શ્રધ્ધાળુઓને થોડા આગળ અને દબાઇને ગોઠવાઇ જવા સુરક્ષાજવાનોએ અને મંદિરના સેવકોએ સૂચના આપી હતી કે જેથી મંગળાઆરતીના દર્શનાર્થે ઉમટેલા બીજા ભાવિકભકતોને સમાવી શકાય. બરોબર ચાર વાગ્યે મંદિરના પટ ખુલ્યા અને મહંત દિલીપદાસજી મહારાજે ભગવાનની મંગળા આરતી કરી ત્યારે એ ધન્યઘડીએ જગતના નાથના દર્શન કરી શ્રધ્ધાળુ ભકતોની આંખોમાં રીતસરના આંસુ આવી ગયા હતા. મંગળાઆરતી બાદ ભગવાનના નેત્રો પરથી પાટા ખોલવાની વિધિ પૂર્ણ કર્યા બાદ ત્રણેય રથોમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રજીની મૂર્તિઓ પધરાવવામાં મહંતશ્રી દિલીપદાસજી અને મંદિર સત્તાવાળાઓને ભાવિકભકતોની ભારે ભીડ અને ધસારાનો સામનો કરવો પડયો હતો.