અમદાવાદ : ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રા શહેરમાં તા.૪થી જૂલાઇના રોજ નીકળનાર છે ત્યારે તેને લઇ અયોધ્યા, હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન, સૌરાષ્ટ્ર સહિત દેશના ખૂણેખૂણેથી અનેક સાધુ-સંતો અને મહાન વિભૂતિઓનું શહેરમાં આગમન શરૂ થઇ ગયું છે. રથયાત્રામાં દેશભરમાંથી પધારેલા આ મહાન સાધુ-સંતોનું તેમના અખાડા, સંપ્રદાય, મહામંડલેશ્વર સહિતની પદવીઓ અને તેમના હોદ્દા મુજબ માન-સન્માન અને આદર જાળવાતો હોય છે, રથયાત્રામાં સાધુ-સંતોનું પણ ખાસ મહત્વ હોય છે, તેમની હાજરી વિના રથયાત્રા શકય બનતી નથી. દેશના ખૂણેખૂણેથી આવેલા હજારો સાધુ-સંતો માટે ભગવાનના મોસાળ એવા સરસપુરમાં નાની વાસણશેરી ખાતે ભલા ભગતની પોળમાં આવેલા પ્રાચીન રણછોડરાયજી મંદિર ખાતે આવતીકાલે ખાસ ભંડારો યોજાશે, જેમાં એક હજારથી વધુ સાધુ-સંતોને ભારે પ્રેમ અને આદરપૂર્વક જમાડી તેઓને વસ્ત્ર, રોકડ, દાન અર્પણ કરવામાં આવશે.
સાધુ-સંતોના આવતીકાલના ભંડારાને લઇ ભલાભગતની પોળ ખાતેના પ્રાચીન રણછોડરાયજી મંદિર ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જયારે રથયાત્રાના દિવસે દેશભરમાંથી આવેલા સાધુ-સંતોની સાથે સાથે રથયાત્રામાં જાડાયેલા હજારો લોકોને જમાડવા માટે ભલાભગતની પોળ ખાતેના પ્રાચીન રણછોડરાયજી મંદિર ખાતે બીજા મોટો ભંડારો યોજાશે, જેમાં આશરે ૨૫થી ૩૦ હજાર લોકોને ભારે પ્રેમ અને આદરપૂર્વક જમાડવામાં આવશે, તે માટેની તૈયારીઓ પણ રણછોડરાયજી મંદિર ખાતે ચાલી રહી છે એમ મંદિરના મહંત શ્રી લક્ષ્મણદાસજી ગુરૂ વાસુદેવજી મહારાજે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરસપુર ખાતેના મોસાળમાં રથયાત્રાના દિવસે રથયાત્રામાં જોડાયેલા હજારો લોકો માટે સરસપુરની નવ જેટલી વિવિધ પોળોમાં જમવા-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે પરંતુ રથયાત્રા માટે ખાસ દેશના અયોધ્યા, હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન, ત્ર્યંબકેશ્વર, સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ગિરનાર, મથુરા, વૃંદાવન સહિતના ખૂણેખૂણેથી આવેલા સાધુ-સંતો માટે સરસપુરમાં નાની વાસણશેરીમાં આવેલ ભલા ભગતની પોળ ખાતેના પ્રાચીન રણછોડરાયજી મંદિર ખાતે જ ભંડારાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.
આવતીકાલે સાધુ-સંતો માટેનો વિશેષ ભંડારો યોજાશે, જેમાં એક હજારથી વધુ સાધુ-સંતોને ભારે પ્રેમ અને આદરપૂર્વક જમાડી વ†, રોકડ અને દાન અર્પણ કરાશે. સાધુ-સંતો બીજે કયાંય જમતા નથી, તેઓ આ ભંડારમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. મહંત શ્રી લક્ષ્મણદાસજી ગુરૂ વાસુદેવજી મહારાજે ઉમેર્યું હતું કે, આ જ પ્રકારે રથયાત્રાના દિવસે પણ ભલાભગતની પોળના આ પ્રાચીન રણછોડરાયજી મંદિરમાં સાધુ-સંતોની સાથે સાથે રથયાત્રામાં જોડાયેલા હજારો ભાવિક ભકતો માટે બહુ મોટો ભંડારો યોજાશે, જેમાં આશરે ૨૫થી ૩૦ હજાર લોકોને ભારે પ્રેમ અને આદર સાથે જમાડવામાં આવશે. એ દિવસે બેથી અઢી હજાર સાધુ-સંતો ભંડારામાં ભોજન-પ્રસાદી ગ્રહણ કરશે. આમ, ભલાભગતની પોળ ખાતેના રણછોડરાયજી મંદિર ખાતે સાધુ-સંતો માટે રથયાત્રા દરમ્યાન બે વખત ભંડારો યોજાતો હોય છે. સાધુ-સંતોના ભંડારાનું વિશેષ અને અનોખુ મહાત્મ્ય હોય છે. હજારો શ્રધ્ધાળુઓ પણ સાધુ-સંતોના દર્શન માટે ઉમટતા હોય છે.