અમદાવાદ : અમદાવાદ શહેરમાં યોજાનારી ૧૪૨મી જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષાને લઈ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસ વડા શિવાનંદ ઝા અને શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘ સહિતના પોલીસ અધિકારીઓ સાથે બહુ મહત્વની બેઠક યોજી હતી. ગૃહ રાજયમંત્રીએ સુરક્ષા અને સલામતી સંબંધી તમામ પાસાઓની જાતમાહિતી મેળવી હતી અને કેટલીક પૃચ્છાઓ સાથે પોલીસ સત્તાધીશોને જરૂરી સૂચન-નિર્દેશો પણ કર્યા હતા. આગામી તા.૪થી જૂલાઇના રોજ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમ્યાન કુલ ૨૫ હજારથી પોલીસ કર્મચારીઓ અને સુરક્ષા જવાનો ફરજમાં તૈનાત રહશે. રથયાત્રાને લઇ અત્યારે શહેર સહિત રાજયભરમાં પોલીસને હાઇએલર્ટ પર રખાઇ છે.
દરમ્યાન આજે ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા. જો કે, હાલ તો, ભગવાન મોસાળમાં તેમની પ્રતિકાત્મક છબીની ગૃહરાજયમંત્રીએ ભારે ભાવ સાથે આરતી ઉતારી હતી. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સહિતના અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. રથયાત્રાની તૈયારીઓ, સુરક્ષા અને સલામતી બંદોબસ્તને લઇ આજે ઉચ્ચ પોલીસ સત્તાધીશો સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજયા બાદ ગૃહ રાજ્યમંત્રી રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનું બારીકાઇથી અવલોકન કર્યું હતું. આ સમગ્ર વ્યવસ્થા અંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રથયાત્રાને લઇ સરકાર અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતી વ્યવસ્થાનું ફુલપ્રુફ પ્લાનીંગ અને આયોજન કરવામાં આવ્યું છે.
શહેરમાં દરેક સંભવિત અને જરૂરી જણાય તેવી જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા આ રૂટમાં ૨૫૦૦૦થી વધુ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો પોલીસ બંદોબસ્ત રહેશે. પોલીસ અન સુરક્ષા જવાનોની સાથે સાથે બીડીડીએસ, કવિક રિસ્પોન્સ ટીમ, એનસેજીની ટીમ પણ સુરક્ષામાં તૈનાત રહેશે. સ્માર્ટ સિટી અંતર્ગત શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાથી આખી રથયાત્રા પર સતત નજર રાખવામાં આવશે. રથયાત્રાના સમગ્ર રૂટમાં ૪૫ જગ્યાએ ૯૪ હાઇફ્રિકવન્સીવાળા સીસીટીવી કેમેરા, સાત જેટલા વહીકલમાં કેમેરા, ડ્રોન મશીન સહિતના અદ્યતન સાધન-સુવિધાની મદદથી સુરક્ષાનું ફુલપ્રુફુ આયોજન કરવામાં આવ્યું છે અને શહેરની એકેએક શંકાસ્પદ ગતિવિધિ અને હિલચાલ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. આ સિવાય રથયાત્રાના સમગ્ર રૂટ દરમ્યાન અને આસપાસના વિસ્તારોમાં પણ પોલીસનું સતત પેટ્રોલીંગ અને નીરીક્ષણ, ચેકીંગ પણ અસરકારક રીતે હાથ ધરાઇ રહ્યા છે.