નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી પહેલા સરકારને આજે મોટો ફટકો પડ્યો હતો. કારણ કે સુપ્રીમ કોર્ટે લીક થયેલા દસ્તાવેજોને માન્ય રાખવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે હવે સમગ્ર મામલામાં ફરી એકવાર સુનાવણી કરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ મામલે સુનાવણી કરતા કહ્યુ હતુ કે જે નવા દસ્તાવેજો ડોમેનમાં આવ્યા છે તે આધાર પર મામલામાં રિવ્યુ પિટિશન પર ફરી સુનાવણી કરવામાં આવનાર છે. રંજન ગોગોઇના નેતૃત્વમાં ત્રણ જજની બેંચે એકમત સાથે ફરી સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી તમામ દલીલોને ફગાવી દીધી હતી. રાફેલ ડિલમાં પોતાના ચુકાદા પર ફેરવિચારણા કરવાની માંગ કરતી અરજીઓ ઉપર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે છેલ્લે ૧૪મી માર્ચના દિવસે લીક દસ્તાવેજો ઉપર કેન્દ્રના વિષેશાધિકારના દાવા પર આદેશ અનામત રાખી દીધો હતો.
હકીકતમાં કેન્દ્ર સરકારે એ વખતે રાફેલ યુદ્ધ વિમાનો સાથે સંબંધિત દસ્તાવેજા ઉપર વિશેષાધિકારનો દાવો કર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, કેટલીક જોગવાઇ હેઠળ કોઇપણ સંબંધિત વિભાગની મંજુરી વગર કોઇપણ પુરાવા રજૂ કરી શકાય નહીં. એ વખતે એજીએ એમ પણ કહ્યું હતું કે, કોઇપણ રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત દસ્તાવેજો પ્રકાશિત કરી શકે નહીં. રાષ્ટ્રની સુરક્ષા સર્વોપરી છે. અગાઉ ૧૪મી માર્ચના દિવસે વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, રાફેલના જે દસ્તાવેજો પર એટર્ની જનરલ વિશેષાધિકારનો દાવો કરી રહ્યા છે તે દસ્તાવેજો પ્રકાશિત થઇ ચુક્યા છે. સાર્વજનિક હદમાં છે. તેમણે કહ્યું હતું કે, માહિતી અધિકાર કાનૂન હેઠળ જાગવાઈ કહે છે કે, જનહિત અન્ય ચીજો કરતા સર્વોપરી છે. ગુપ્તચર સંસ્થાઓ સાથે સંબંધિત દસ્તાવેજો ઉપર કોઇપણ પ્રકારના વિશેષાધિકારના દાવા કરી શકાય નહીં.
ભૂષણે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, રાફેલ ઉપરાંત એવા કોઇપણ અન્ય સંરક્ષણ સોદા નથી જેમાં કેગના રિપોર્ટમાં કિંમતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભૂષણે કહ્યું હતુ કે, રાફેલ સોદાબાજીમાં સરકાર-સરકારની વચ્ચે કોઇપણ કરાર નથી. કારણ કે આમા ફ્રાંસે કોઇપણ ગેરન્ટી આપી નથી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ કેએફ જાસેફની બનેલ બેંચ સમક્ષ કેન્દ્ર તરફથી એટર્ની જનરલ કેકે વેણુગોપાલે પોતાના સમર્થનમાં પુરાવાની કલમ ૧૨૩ અને માહિતી અધિકાર કાયદાની જાગવાઈનો ઉલ્લેખ કર્યો હતો. ચુકાદાની સમીક્ષા દરમિયાન સુપ્રીમ કોર્ટ હવે નવા દસ્તાવેજો અને પુરાવમાં પણ ધ્યાન આપશે.
જે ડિફેન્સ દસ્તાવેજ લીક થયા છે તે મામલે રિવ્યુ પિટિશન પર સુનાવણી કરવામાં આવે કે કેમ તે બાબત પણ નજર હતી. સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ આને લઇને પણ લોકસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન મુદ્દા ઉઠે તેવી શક્યતા છે. રાફેલ ડીલને લઇને કોંગ્રેસ સહિત તમામ વિરોધ પક્ષોના આરોપોનો સામનો કરી રહેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને તે પહેલા ૧૪મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે મોટી રાહત મળી હતી. કારણ કે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે તેને ફ્રાન્સ પાસેથી ૩૬ રાફેલ યુદ્ધ વિમાનોની ખરીદી કરવાના એનડીએ સરકારના નિર્ણયમાં કોઇ અનિયમિતતા મળી નથી.