ફોટા વાયરલ કરવાની ધમકી આપી મહિલા સાથે દુષ્કર્મ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

શહેરમાં ફરી એક વખત વીડિયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મનો બનાવ બન્યો છે. મહિલાની મુલાકાત નરાધમ સાથે દુકાનનું ભાડું લેવા જતી વખતે થઈ હતી. આરોપી સાથે મોબાઈલ પર શરૂ થયેલી વાતચીત અને વીડિયો કોલ બાદ આરોપીએ મહિલાને કેફી પીણું પીવડાવી તેણીના બીભત્સ ફોટો મેળવી લીધા હતા. બાદમાં આ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપીએ ફરિયદી મહિલાને લગ્ન માટે દબાણ કરતા મહિલાએ ઇન્કાર કરી દીદો હતો. જે બાદમાં આરોપીએ મહિલાની તસવીરો અને વીડિયો વાયરલ કરી દીધા હતા. શહેરના રામોલ વિસ્તારમાં રહેતી એક મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે તેની ઓળખાણ ભાડુઆત દુકાનદારના મામા સાથે થઈ હતી. બાદમાં બંને મોબાઇલ પર અને વીડિયો કોલથી પણ વાતચીત કરતા હતા.

જોકે, એક દિવસ આરોપીનો જન્મ દિવસ હતો અને તે સમયે મહિલા તેના મકાનના ઓટલા પર બેઠી હતી ત્યારે આરોપીએ તેને સોડા પીવડાવી હતી. થોડા સમય બાદ મહિલાને ઘેન ચડ્યું હોય તેવું લાગતા તે પોતાના મકાનમાં જતી રહી હતી. બાદમાં આરોપીએ મહિલાને વીડિયો કોલ કર્યો હતો અને પોતે કહે તેમ કરવા કહ્યું હતું. આ દરમિયાન આરોપીએ વીડિયો કોલના સ્ક્રીનશોટ લઈ લીધા હતા. ચારેક દિવસ બાદ જ્યારે આરોપીનો ફોન મહિલાના હાથમાં આવ્યો હતો. જોકે, આ સમયે આરોપી અચાનક જ મહિલાના હાથમાંથી મોબાઇલ લઇ લીધો હતો. પરંતુ આરોપીના મોબાઇલમાં મહિલાને બીભત્સ તસવીરો હોવાનું માલુમ પડી ગયું હતું. આ બાબતે ફરિયાદી મહિલાએ આરોપી સાથે વાતચીત કરી તો તેણે કહ્યુ હતુ કે આ ફોટા તેની પત્નીના છે, ફરિયાદીના ફોટો ડિલિટ કરી દીધા છે.

જોકે, બે ત્રણ દિવસ બાદ આરોપીએ મહિલાને Whatsapp પર આ બીભત્સ તસવીરો મોકલી હતી અને કહ્યુ હતુ કે, હું કહું તેમ નહિ કરે તો તારા ફોટો વાયરલ કરી દઈશ. આવી ધમકી આપી આરોપીએ મહિલા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં આરોપી મહિલાને તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. જોકે, મહિલાએ લગ્ન કરવાની ના પાડતાં મહિલાના બીભત્સ ફોટો અને વીડિયો કોલ રેકોર્ડિંગ તેની દીકરી તેમજ સગા-સંબંધીઓને મોકલી બદનામ કરતો હતો. જે અંગેની જાણ મહિલાએ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Share This Article