નવી દિલ્હી : રેપ કેસમાં ફસાયેલા શનિધામના સ્થાપક દાતી મહારાજ ઉપર સકંજા દિનપ્રતિદિન મજબૂત કરવામાં આવી રહ્યો છે. દાતી મહારાજ સામે કાર્યવાહીને લઇને દિલ્હી હાઈકોર્ટ લાલઘૂમ દેખાઈ રહી છે. હજુ સુધી ધરપકડ કરવામાં ન આવતા હાઈકોર્ટે કઠોર વલણ અપનાવીને આ કેસ હવે સીબીઆઈને સોંપી દીધો છે. આ પહેલા સમગ્ર મામલામાં તપાસ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવી રહી હતી. દાતી મહારાજ પર પોતાની શિષ્યા પર રેપનો આરોપ છે.
દાતી મહારાજ હાલમાં ફરાર થયેલા છે. આ મામલાની આગામી સુનાવણી ૩૦મી ઓક્ટોબરના દિવસે કરવામાં આવશે. કેસના સંદર્ભમાં સોમવારના દિવસે સાંકેત કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. દાતી મહારાજની સામે આઈપીસીની કલમ ૩૭૬ અને ૩૭૭ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આજે હાઈકોર્ટમાં પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને લઇને અસંતોષ દેખાતા કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો.
સાથે સાથે પુરક ચાર્જશીટ દાખલ કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. આ વર્ષે સાતમી જૂનના દિવસે પીડિતાએ મહારાજની સામે એફઆઈઆર દાખલ કરાવી હતી. મામલો વર્ષ ૨૦૧૬ના જાન્યુઆરી મહિના અને માર્ચ મહિનાની વચ્ચેનો છે. પીડિતાએ દાતી મહારાજ પર અન્ય પાંચની સામે ફરિયાદ કરી હતી.