બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અત્યારે એક વિવાદમાં સપડાયો છે. ન્યૂડ ફોટોશૂટને કારણે તેના પર કેસ પણ થયો છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી રણવીર સિંહે સોશિયલ મીડિયા પર પોતાની ન્યૂડ તસવીરો શેર કરી છે, ત્યારથી જ હોબાળો શરુ થઈ ગયો છે. ચારે તરફ ચર્ચા થઈ રહી છે કે, આ વાત યોગ્ય છે કે નહીં. ઘણાં લોકો રણવીર સિંહના સમર્થનમાં છે, જ્યારે ઘણાં લોકો તેની ટીકા કરી રહ્યા છે. મહિલાઓની લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ રણવીર સિંહ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે રણવીર સિંહના આ વિવાદની ભવિષ્યવાણી શાહરુખ ખાને ઘણાં વર્ષો પહેલા જ કરી હતી. કિંગ ખાને લગભગ છ વર્ષ પહેલા જ નિવેદન આપ્યુ હતું કે, રણવીર સિંહ કપડાને કારણે કોઈ દિવસ જેલ જઈ શકે છે.
આપણે સૌ જાણીએ છીએ કે ફિલ્મમેકર કરણ જોહર ચેટ શૉ કોફી વિથ કરણ હોસ્ટ પણ કરે છે. પાછલા ઘણાં વર્ષોથી આ શૉ ચાલી રહ્યો છે અને અત્યારે તેની સાતમી સિઝન ચાલી રહી છે. આ શૉ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી હસ્તીઓ આવે છે અને પોતાની પર્સનલ લાઈફ, રિલેશનશિપ, બ્રેકઅપ વગેરેના ખુલાસા કરતી હોય છે. શાહરુખ ખાન પણ આ શૉનો ભાગ રહી ચૂક્યો છે. વર્ષ ૨૦૧૬માં તે જ્યારે આ શૉની પાંચમી સિઝનમાં આવ્યો હતો ત્યારે તેણે રણવીર સિંહ બાબતે એક ભવિષ્યવાણી કરી હતી.
રણવીર સિંહના આઉટફિટ્સ બાબતે શાહરુખ ખાને કોફી વિથ કરણની પાંચમી સિઝનના પ્રથમ એપિસોડમાં જે વાત કહી હતી કે અત્યારે સાચી પડતી જણાઈ રહી છે. તેની સાથે આલિયા ભટ્ટ પણ હાજર હતી. કિંગ ખાને તે સમયે કહ્યુ હતું કે, રણવીર સિંહે કપડા ન પહેરવાને કારણે જેલ જવું પડી શકે છે. રણવીર સિંહ હંમેશા પોતાના અતરંગી આઉટફિટ્સને કારણે ચર્ચામાં રહે છે. તે ક્યારેક એવા પણ કપડા પણ પહેરે છે, જે જોઈને લોકો ચોંકી જતા હોય છે. ઘણીવાર તેના ડ્રેસિંગ સેન્સનો મજાક ઉડાવવામાં આવે છે, પરંતુ તે આ આઉટફિટ્સ અત્યંત આત્મ વિશ્વાસ સાથે પહેરે છે.
કોફી વિથ કરણમાં જ્યારે કરણ જોહરે શાહરુખ ખાનને પૂછ્યું કે, જો ક્યારેય તેને સાંભળવા મળે કે રણવીર સિંહની ધરપકડ કરવામાં આવી છે તો? આ સાંભળીને શાહરુખે મજાકિયા અંદાજમાં જવાબ આપતા કહ્યુ હતું કે, કપડા પહેરવા માટે અને કપડા ન પહેરવા માટે. આ ક્લિપ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો અલગ અલગ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે.