અમદાવાદ : અમદાવાદના રાણીપ વિસ્તારમાં રેલવે ફાટક પાસે અદાણી ગેસની પાઈપલાઇનનું ટેસ્ટિંગ દરમ્યાન અચાનક લીકેજ થતાં આગ લાગી હતી. જેમાં એક વ્યક્તિ દાઝી ગઈ હતી. બનાવને પગલે સ્થાનિકોમાં નાસભાગ મચી ગઇ હતી. બીજીબાજુ, આગની જાણ થતાં ફાયર ફાયટરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને સમયસર આગ બુઝાવી દીધી હતી. રાણીપ પોલીસના પીઆઇ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાણીપ રેલવે ફાટક પાસે લાગેલી અદાણી ગેસનું ટેસ્ટિંગ દરમિયાન એકાએક લીકેજ થયું હતું. જેના કારણે ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. જેના કારણે આસપાસના વેપારીઓ અને સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જયાં આગ લાગી હતી તેમાં એક વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હતી.
ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ ગેસની પાઇપ લાઇન આગળથી બંધ કરી દેવાઈ છે. ફાયરની ત્રણ ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે અને રાણીપ પોલીસને જાણ થતાં પીઆઇ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ભીષણ આગ લાગવાની સર્જાયેલી ઘટનાને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. નોંધપાત્ર છે કે, શહેરમાં વારંવાર ગેસની પાઈપ લાઈનમાં લીકેજ થવાની ઘટનાઓ સર્જાતી હોય છે. જેના કારણે ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ શહેરીજનો સેવી રહ્યા છે, ત્યારે તંત્રએ આ સમગ્ર મામલે ગંભીરતા દાખવી યોગ્ય પગલાં લેવા જાઇએ તેવી પણ સ્થાનિકોમાં માંગ ઉઠી હતી.