ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે રમાનારા કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન તરીકે રાની રામપાલને પસંદ કરવામાં આવેલ છે. જ્યારે અનુભવી ગોલકિપર સવિતા પુનિયાને વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવી છે. હોકી ઈન્ડિયાએ ૧૮ ખેલાડીઓની ટીમની જાહેરાત કરી દીધી છે.
આવતા મહિને શરુ થઈ રહેલા ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને બી-પૂલમાં સ્થાન આપવામાં આવ્યુ છે, જેમાં મલેશિયા, વેલ્સ, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. હોકીમાં ઈન્ડિયાએ છેલ્લા કેટલાક સમયથી રાની રામપાલને કેપ્ટન તરીકે જારી રાખી છે.
તાજેતરના સાઉથ કોરિયા પ્રવાસમાં પણ રાની રામપાલની આગેવાનીમાં ભારતીય મહિલા ટીમે યજમાનો સામેની પાંચ મેચની શ્રેણી ૩-૧થી જીતી હતી. ભારત મહિલા હોકી રેન્કિંગમાં હાલ ૧૦માં ક્રમે છે અને કોમનવેલ્થ ગેમ્સમાં ટીમને તેના કરતાં હાયર રેન્ક ધરાવતા વર્લ્ડ નંબર ફાઈવ ઓસ્ટ્રેલિયા સામે રમવાનુ છે.
કોમનવેલ્થ ગેમ્સની મહિલા હોકીની ઈવેન્ટમાં ભારત ૨૦૦૨માં ગોલ્ડ મેડલ જીત્યું હતુ. તે વખતે ઈંગ્લેન્ડમાં ગેમ્સ યોજાઈ હતી અને યજમાનો સામે એક્સ્ટ્રા ટાઈમ બાદ ભારતે ૩-૨થી રોમાંચક જીત સાથે સુવર્ણ સફળતા મેળવી હતી. આ પછી વર્ષ ૨૦૦૬માં ઓસ્ટ્રેલિયામાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને સિલ્વર મેડલ મળ્યો હતો. જોકે છેલ્લી બે કોમનવેલ્થ ગેમ્સથી ભારત સતત પાંચમા ક્રમે રહ્યું છે.