રણબીરને કામ કરવાની સૌથી વધારે મજા અનુષ્કા સાથે આવે છે

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અભિનેતા રણબીર કપૂર પાછલા થોડા સમયથી વિવિધ કારણોસર ચર્ચામાં છે. આલિયા ભટ્ટ સાથેના લગ્ન પછી ફિલ્મોને કારણે રણબીર કપૂર લાઈમલાઈટમાં છે. પહેલા તેની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું અને હવે તેની ફિલ્મ શમશેરાનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું છે. રણબીરની બન્ને ફિલ્મોની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રણબીર કપૂરે અત્યાર સુધી માધુરી દીક્ષિત, ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ, સોનમ કપૂર, ઈલિયાના ડિક્રૂઝ સહિત અનેક અભિનેત્રીઓ સાથે કામ કર્યુ છે, પરંતુ અભિનેતા જણાવે છે કે સરખામણીમાં સૌથી વધારે કેમિસ્ટ્રી અનુષ્કા શર્મા સાથે શેર કરે છે.

તાજેતરમાં જ પોતાના એક ઈન્ટર્વ્યુમાં રણબીર કપૂરે અનુષ્કા શર્મા સાથેની પોતાની મિત્રતા વિશે વાત કરી હતી. રણબીર કપૂરે જણાવ્યું કે, અનુષ્કા એ અભિનેત્રી છે જેની સાથે હું ઘણો ક્લોઝ છું. તે ખરેખર મારી ઘણી નજીકની મિત્ર છે અને અમે ઘણીવાર એકબીજાને ખૂબ પરેશાન કરીએ છીએ. સેટ પર હોઈએ ત્યારે અમે લડતા રહીએ છીએ. પરંતુ અનુષ્કા અને હું ઘણી સારી ક્રિએટિવ એનર્જી શેર કરીએ છીએ. ભૂતકાળમાં અનુષ્કા શર્માએ પણ એક વાતચીત દરમિયાન પોતાના અને રણબીરના રિલેશન વિશે વાત કરતા કહ્યુ હતું કે, જ્યારે બે લોકો પોતાનો દુખદ સમય એક સાથે પસાર કરે છે ત્યારે તે નજીક આવે છે.

રણબીર અને અનુષ્કાએ બોમ્બે વેલવેટમાં કામ કર્યુ હતું અને તે ફ્લોપ સાબિત થઈ હતી. ત્યારપછી તેમણે એ દિલ હૈ મુશ્કિલમાં કામ કર્યુ હતું. આ ફિલ્મ દરમિયાન તેમની મિત્રતા ગાઢ બની હતી. પ્રમોશન ઈવેન્ટ દરમિયાન પણ તેમની મસ્તી જોવા મળતી હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, રણબીર કપૂર હવે બ્રહ્માસ્ત્ર પાર્ટ વન અને શમશેરામાં જોવા મળશે. આ સિવાય તે ફિલ્મ એનિમલ માટે કામ શરુ કરવાનો છે. અનુષ્કા શર્મા ચાર વર્ષના બ્રેક પછી ફિલ્મ છકડા એક્સપ્રેસથી મોટા પડદા પર કમબેક કરવા જઈ રહી છે. દીકરી વામિકાના જન્મ પછી અનુષ્કા શર્માએ ફિલ્મોથી દૂરી બનાવી હતી. તેણે પોતાના પ્રોડક્શન હાઉસની જવાબદારી પણ ભાઈને સોંપી દીધી છે. તે હવે પ્રોડક્શન હાઉસનો પણ ભાગ નથી.

Share This Article