અમદાવાદ : શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ રામોલની ર૦ વર્ષની કોલેજ ગર્લ પર ગેંગરેપના ચકચારભર્યા કેસમાં પોલીસે આખરે એબીવીપીના કાર્યકર અંકિત પારેખ અને એમએલટી સ્ટુડન્ટ ચિરાગ વાઘેલાની ધરપકડ કરી લીધી છે. જા કે, આ કેસની બહુ આઘાતજનક વાત અને ગંભીર કરૂણતા એ છે કે, ગેંગરેપનો ભોગ બનેલી પીડિતા મૃત્યુ પામી ગઇ પછી હવે મોડે મોડે પોલીસ જાગી છે અને હવે આરોપીઓની ધરપકડ કરી તપાસનું નાટક ચલાવી રહી છે પરંતુ તે તપાસ કે ન્યાય જાવા હવે પીડિતા રહી નથી. પોલીસે આજે સમગ્ર કેસમાં સાયન્ટીફિક સહિત તમામ રીતે તપાસ કરવા માટે બેથી ત્રણ ટીમો બનાવી છે અને તેના દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આગામી દિવસો સમગ્ર કેસમાં વધુ ધરપકડો થવાની સંભાવના છે.
કારણ કે, પોલીસને આ કેસમાં ચાર યુવકો નહી પરંતુ તેનાથી વધુ આરોપીઓ સંડોવાયાની આશંકા છે. દરમ્યાન રામોલ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓ એબીવીપીના કાર્યકર અંકિત પારેખ તેમજ એમએલટી સ્ટુડન્ટ ચિરાગ વાઘેલાને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા અને તેઓના પોલીસ રિમાન્ડ મેળવાયા હતા. આ કેસમાં આરોપીઓ રાજ તોમર અને હાર્દિક શુક્લા વોન્ટેડ છે. શહેરના અમરાઇવાડી વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષીય યુવતીએ તા. ૧૮ માર્ચના રોજ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, ચાર યુવકોએ એટીકેટી સોલ્વ કરવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. યુવતી કોલેજની પરીક્ષામાં નાપાસ થઇ હતી, જેથી અમરાઇવાડી વિસ્તારમાં તેના પાડોશમાં રહેતા હાર્દિક નરેન્દ્રભાઇ શુકલા અને સરખેજમાં રહેતા અંકિત (અનિકેત) પારેખ તથા રામોલના જનતાનગર ખાતે રહેતા ચિરાગ વાઘેલા તેમજ રાજ નામના ચાર યુવકોએ તેને ૨૦૧૮માં એટીકેટીનું ફોર્મ ભરવા તેમજ એટીકેટી સોલ્વ કરાવવાની લાલચ આપી હતી.
એટીકેટી સોલ્વ કરવાના બહાને એબીવીપીના કાર્યકર એવા ચારેય યુવકોએ યુવતીનું શોષણ કરવાનું શરૂ કરી દીધું હતું અને રામોલના રિગરોડ પર અલગ અલગ ગેસ્ટ હાઉસમાં તેમજ હોટલમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. પ્રથમ વખત યુવતીને કેફી પીણું પીવડાવીને બેભાન કર્યા બાદ બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ જ્યારે યુવતી એટીકેટીનું ફોર્મ ભરવા માટે આવતી હતી ત્યારે યુવકો બળાત્કાર ગુજારતા હતા. વારંવાર યુવકોએ યુવતી સાથે દુષ્કર્મ આચરતાં તેને ગર્ભ રહેતાં આઠ માસ બાદ મૃત બાળકનો જન્મ થયો હતો. રામોલ પોલીસે ચાર શખ્સો સામે સામૂહિક બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ગર્ભપાત કરાવવા માટે યુવતીએ લીધેલી દવાઓની અસર થતાં તેની કિડની પર અસર પડી હતી, જેના કારણે તેની એલ.જી. હોસ્પિટલમાં સારવાર લઇ રહી હતી. બે દિવસ પહેલાં કિડની ફેલ થઇ જવાના કારણે યુવતીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ, સમગ્ર કેસમાં પીડિતાનું મૃત્યુ થઇ ગયું ત્યાં સુધી પોલીસે કોઇ તપાસ ના કરી કે આરોપીઓની ધરપકડ ના કરી અને હવે જયારે પીડિતા મૃત્યુ પામી અને સમગ્ર મામલો ચગ્યો એટલે, પોલીસે તપાસનું નાટક કર્યું પરંતુ કરૂણતા એ છે કે, પીડિતા હવે આ તપાસ કે ન્યાય જાવા આ દુનિયામાં રહી નથી.