૨૩૫ વર્ષ બાદ પ્રથમ વખત રામલીલા ટળી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વારાણસી: ઉત્તરપ્રદેશમાં ૨૩૫ વર્ષમાં પ્રથમ વખત રામનગરમાં રીમલીલાને ટાળી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કારણ કે રામ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની ભૂમિકા અદા કરનાર ચારેય કલાકારો ડાયરિયાના સકંજામાં આવી ગયા છે.

ઇન્ફેક્શનનો શિકાર થયેલા ચારેય કલાકારોને લાલ બહાદુર શાસ્ત્રી સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ૪૫ દિવસ સુધી ચાલનાર રામનગર રામલીલાને યુનેસ્કો દ્વારા અનોખી વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર તરીકેની માન્યતા આપવામાં આવી છે. રામલીલાને ટાળી દેવામાં આવતા ભક્તોમાં નિરાશા જોવા મળી રહી છે.

મલહી ટોલામાં ડાયરિયા રોગે હાલમાં ભારે આતંક મચાવ્યો છે. આ ઇન્ફેક્શન ફેલાઇ ગયા બાદ રામલીલાના ફુલવારી પ્રકરણને લઇને દેખાવો કરવામાં આવ્યા હતા. જ્યાં કલાકારોની ટીમે ધર્મશાળામાં ડેરા લગાવ્યા હતા. લક્ષ્મણની ભૂમિકા અદા કરનાર કલાકારની તબિયતમાં સુધારો થયો છે. રામલીલા તમામનુ ધ્યાન ખેંચે છે. લાંબા સમય સુધી રામલીલા ચાલે છે. આ રામલીલામાં જુદા જુદા શહેરોમાંથી કલાકારો ભૂમિકા અદા કરવા માટે પહોંચે છે.

રામનગર રામલીલા પ્રભારી મનોજ શ્રીવાસ્તવે કહ્યુ છે કે આ રામ લીલા છેલ્લા ૨૩૫ વર્ષથી સતત યોજાય છે. એક પણ વખત તેને ટાળવામાં આવી નથી. આ વખતે મુખ્ય ચાર કલાકારો બિમાર થઇ ગયા છે જેથી મોટી આફત આવી ગઇ છે. રામનગર પાલિકા પરિષદના લોકોએ કહ્યુ છે કે તેમના તરફથી કોઇ પણ ભુલ કરવામાં આવી નથી. તબીબોની ટીમ સમગ્ર વિસ્તારમાં સર્વેની કામગીરી કરી રહી છે. સાવચેતીના તમામ પગલા પણ લેવામાં આવી રહ્યા છે.

Share This Article