માનસ રામકથા મહેશ એન.શાહ દિવસ-૨ તારીખ- ૨૦ માર્ચ.
નામમાં ગળપણ,સગપણ અને વળગણ છે.
રામનામ જાતિગત,કૂળગત કે વંશગત નથી કારણ કે એ આદિ-અનાદિ-અનંત છે,પુરાતન નહિ સનાતન છે.
વિશ્વ ચકલી દિવસ પર જન્મભૂમિ પત્રો અને નવરંગ નેચર ક્લબના અમૂલ્ય ચકલીકર્મની કદર થઇ.
આ છ બેરખાઓ મળીને મારી માળા બની છે:મોરારિબાપુ
બીજા દિવસની કથા પ્રારંભ કરતા પહેલા વિશ્વ ચકલી દિવસની ઉજવણીમાં નવરંગ નેચર કલબ, જન્મભૂમિ પત્રો-કચ્છમિત્ર,જન્મભૂમિ,ફૂલછાબ વગેરે દ્વારા,તેમના સૌજન્યથી એક નાનકડો કાર્યક્રમ કથાને અંતે યોજાયો.કથા પ્રારંભે બાપુએ જણાવ્યું કે આજે ચકલીદિવસ છે અને પ્રસન્નતા છે કે અહીં ઉપસ્થિત તમામને એક-એક માળો અપાશે,મને પણ એક માળો આપવામાં આવશે!ચકલી બહુ મહત્વનું પક્ષી છે,થોડે મેં ગુજારા હોતા હૈ,પાંચ ટીપા પાણી અને થોડી ચણ દ્વારા ચકલી સંતોષ અનુભવે છે,નિર્દોષ, ભોળું,જાણવા છતાં છેતરાતું માસુમ પક્ષી છે.અને આ ચકલીના માળા વિતરણનું અભિયાન ખુબ હદયથી આવકારું છું.કથા પૂરી થયા બાદ વી.ડી. બાલાસાહેબ તેમજ કચ્છમિત્ર ફૂલછાબ દ્વારા બાપુને માળો વિતરિત થયો,એકલાખથી વધુ માળાઓ વહેંચાશે.નાનકડા પણ મહત્ત્વનાં કાર્યક્રમમાં બાપુએ કહ્યું કે જ્યારે જન્મભૂમિ ગ્રુપ, ફૂલછાબ,કચ્છમિત્ર વગેરે જોડાય તે બધા સાથે હું પણ જોડાયેલો છું, જોડાયેલો રહું છું અને એક સંસ્થાનું આ ચકલીકર્મ અમૂલ્ય(નિ:શૂલ્ક)પ્રેમયજ્ઞ છે.
બીજા દિવસની કથામાં બાપુએ જણાવ્યું કે મારી વ્યાસપીઠ જ્યાં પણ નવ દિવસ સુધી રહે છે તે પ્રદેશ,ગામ,નગરની આસપાસ પાંચ યજ્ઞકર્મ સતત થતા હોય છે:૧-નધણિયાતી ગાયોને યજમાન પરિવાર ચારો નાખે છે.૨-પક્ષીઓને ચણ.૩- કુતરાને રોટલા(બાપુએ કોમેન્ટ કરતા જણાવ્યું કે એટલા માટે કે ભસતા બંધ થાય!)૪-કીડીયારું પુરવાનું અને ૫- તમામ લોકોને પ્રભુપ્રસાદ. બાપુએ કહ્યું કે આ વિચાર મને પાળીયાદના વીહળાબાપાનાં સ્થાન પર ભયલુભાઈએ કહેલો અને મને ખુબ ગમી ગયેલો. યુદ્ધ તરફ ગ્લાનિ વ્યક્ત કરતાં બાપુએ કહ્યું કે બાળકોના પણ મરણ થઈ રહ્યા છે,આ યુદ્ધ શાંત થાય એ માટે બધા મળીને પ્રાર્થના કરીએ.
નિરંતર પાઠ કરનારાઓ જાણે છે કે રામકથા કહેનારા,સાંભળનારા અને અનુમોદન કરનારા ત્રણે ધન્ય છે.વંદના પ્રકરણમાં હનુમંતવંદના બાદ પ્રેમ રાજ્ય સ્થાપના અભિયાનમાં જે-જે જોડાયા તે બધાની વંદના પૂર્ણ કરી અને પૂર્ણાંકની અંદર રામનામ મહિમા,સિતાની વંદના-માતૃવંદના અને સિતારામ એક જ છે એની સંયુક્તવંદના બાદ તુલસીજીએ ૭૨ પંક્તિઓ અને નવ દોહામાં રામનામનો મહિમા કહ્યો.બાપુએ કહ્યું કે વ્યક્તિનું આપણે નામ પાડીએ ત્યારે તેમાં જાતિ,કૂળ કે વંશની ઓળખ આવતી હોય છે.પછી એને વિશેષણ જોડાય.જાતિગત ઓળખ માટે અને ભેદ ન હોય ત્યાં સુધી જાતિ,વર્ણ વગેરે ઠીક છે બાકી આપણે એમાંથી બહાર આવવાનું છે.જેમકે ક્ષત્રિયોમાં ‘સિંહ’ શબ્દ લાગે,સાધુઓમાં ‘દાસ’ કે ‘રામ’ શબ્દ લાગે.નામ કૂળ પરંપરામાં પણ આવતું હોય છે.
ત્રીજી કે ચોથી પેઢીએ એ જ નામ આવતું એવી પરંપરા હતી.આખો રા’વંશ રા’ખેંગાર,રા’માંડલીક,રા’નવઘણ સુધી આવું પણ આપણે જોયેલું છે.કોઈ પીએચડી કરે તો આગળ ડોકટર શબ્દ પણ લાગે.સાધુઓમાં ગાદી પર બેસાડાય ત્યારે તિલક કરે અને મહંત કહેવાય.પછી ૧૦૮ મહંત,૧૦૦૮ મહંત,વધુ આગળ વધી મહામંડલેશ્વર,અનંતવિભૂષિત વગેરે વિશેષણો પણ મળે છે.નામમાં ગળપણ,સગપણ અને વળગણ છે. નામના એક મુદ્દાને કેટલી બધી વસ્તુઓ અડે છે! પણ રામનામ આ બધાંથી મુક્ત છે.તે જાતિગત, કૂળગત કે વંશગત નથી.કારણ કે આદિ અને અનંત છે.રામનામ દશરથને ત્યાં દીકરાના જન્મ પછી આવ્યું એ ભ્રાંતી દૂર થવી જોઈએ. રામ અનાદિકાળથી છે. જ્યારે સૃષ્ટિનું સર્જન થયું અને બીગબેંગ- મહાવિસ્ફોટ થયો.સનાતનધર્મ કહે છે કે એ ઓમ્ શબ્દ હતો.કચ્છના ભૂકંપ વખતે ધડાકો થયો જેનું રેકોર્ડિંગ સાંભળતા એમાં ક્યાંક ઓમકાર જેવો અવાજ લાગે છે,માનવા મન પ્રેરાય છે,સાબિતી ના આપી શકાય.
રાજકોટમાં કથા વખતે કહેલું કે મારા વ્યક્તિગત મત મુજબ સૃષ્ટિના પ્રારંભે જે અવાજ થયો એ રામ હતો,એ વખતે જયમલ્લ પરમારે પૂછેલું કે તમે એ ક્યા ભરોસા સાથે બોલો છો? બાપુએ કહ્યું તે ગુણાતિત શ્રદ્ધા,પાકો ભરોસો! પણ ઓશોએ એ પછી કહેલું કે પહેલીવાર સૃષ્ટિની ઉત્પત્તિ વખતે જે નામ આવ્યું એ રામ હતું.ગાંધીબાપુની રામનામ ઉપાસના અને વિનોબાજીની નામ નિષ્ઠા જગજાહેર છે.રામનામ એટલે સંકીર્ણ નહીં જેનામાં રુચિ હોય નિષ્ઠા હોય તે કોઈ પણ નામ રામનામ છે.જ્યારે આવા રામની-ઈશ્વરની કથા લખાય ત્યારે ચાર વસ્તુ આવે:નામ,રૂપ,લીલા અને ધામ.પણ રામનું કોઈ શિલ્પ નથી,ચિત્ર નથી એટલે માનવા પ્રેરાઇએ છીએ કે સૌથી વધુ પુરાતન હશે. ધોળાવીરાનું તો સંશોધન પણ થયેલું છે.શ્રદ્ધા જગત લાખો વર્ષ કહે પણ ઇતિહાસ મુજબ બહુ જ કાળ-હજારો વર્ષ પુરાતન નહીં પરંતુ સનાતન છે. રૂપ જોયું નથી,અનુભવ છે. લીલાઓ દ્રશ્યમાન નથી. રામનું ધામ છે અયોધ્યા, ચિત્રકૂટ વગેરે.એમાં પણ કેટલી શોધ કરવી પડી! એટલે આ ચારમાંથી આપણી પાસે હાથવગું કેવળ નામ છે.
સતયુગમાં ધ્યાન મુખ્ય હતું,ત્રેતાયુગમાં યજ્ઞ કર્મ,દ્વાપરયુગમાં પૂજા-અર્ચન અને કળિયુગમાં માત્ર નામ મહત્વનું છે.બેરખા વિશે બાપુએ જણાવ્યું કે શિવજીનું એક ચિત્ર જોયેલું જેના હાથમાં બેરખો હતો.હનુમાનજીના એક ફોટામાં પણ બેરખો હતો. મારી અંતર પ્રવૃત્તિ કહે છે કે ધ્યાનસ્વામીબાપા પણ બેરખો રાખતા હશે.જીવનદાસ બાપુ બેરખો રાખતા. ત્રિભુવનદાદા બેરખો રાખતા અને છઠ્ઠો બેરખો પ્રભુદાસબાપુ પણ રાખતાં.આ છ બેરખા મળી અને મારી માળા(૧૦૮) બની છે.બાપુએ યુવાનોને જણાવ્યું કે પાંચની સેવા કરવી: શરીરની સેવા કરો કારણકે દેહ મુક્તિનો દરવાજો છે,ભોગ વિવેક પણ કરો પણ અતિશય તૂટી ન જાવ, દેશસેવા કરો, દેવસેવા કરો-ઇષ્ટદેવની સેવા,દિલસેવા કરો હ્રદયમાં પ્રેમ સિવાય કોઈ કચરો ન જોવો જોઈએ અને દીનની સેવા કરો.
બાપુએ કહ્યું કે પહેલું સૂત્ર નામમાં આકર્ષણ થવું જોઈએ એ પછી નામ જપનાર બીજા માટે સમર્પણ કરે છે અને આ બંને થાય એટલે અખંડ સ્મરણ.આમ આકર્ષણ,સમર્પણ,સ્મરણ પછીની અવસ્થા છે: પ્રવર્ષણ-આંખો વહેવા માંડે અને પાંચમું છે મરણ. મરણ એટલે મૃત્યુ જ નહીં પણ ઓગળી જવું,આ છે હરિનામનો ક્રમ.
નામ મહિમા બાદ રામચરિત માનસને સરોવરનું રૂપક આપી અને ચાર ઘાટ પર- જ્ઞાન,ઉપાસના,કર્મ અને દીનતા-શરણાગતિના ઘાટ પર કથા ચાલે છે અને યાજ્ઞવલ્ક્ય-ભરદ્વાજના સંવાદમાં રામકથા વિશે પુછાય છે અને શિવ ચરિત્ર નો આરંભ થાય છે.