નવીદિલ્હી : રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ મામલામાં વહેલી સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કર્યા બાદ આ મામલો આગામી દિવસોમાં વધુ ગરમ બને તેવી શક્યતા છે. એકબાજુ રામ મંદિર નિર્માણ માટેની માંગણી દિનપ્રતિદિન વધુને વધુ તીવ્ર બની રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટે આ મામલાને જાન્યુઆરી સુધી ટાળી દીધો છે. આવી Âસ્થતિમાં હિન્દુ સમુદાયના લોકોમાં તથા ખાસ કરીને સાધુ સંતો અને હિન્દુ સંગઠનોમાં નારાજગી વધી રહી છે. મોદી સરકાર ઉપર પણ દબાણ વધી રહ્યું છે.
મંદિર નિર્માણને લઇને એકબાજુ વટહુકમ લાવવા માટે સરકાર ઉપર દબાણ લાવવામાં આવી રહ્યું છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ કહ્યું છે કે, મંદિર નિર્માણને લઇને તમામ પ્રયાસ થઇ રહ્યા છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ કહી ચુક્યા છે કે, અયોધ્યામાં વહેલી તકે ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવશે. ભગવાન રામના મંદિરને લઇને ઉત્તરપ્રદેશના લોકોમાં પણ હવે ઉત્સુકતા વધી રહી છે. પ્રચંડ બહુમતિ સાથેની સરકાર કેન્દ્ર અને રાજ્યમાં હોવા છતાં મંદિર નિર્માણ ન થતાં લોકોમાં હવે નારાજગી છે.