અયોધ્યા : રામ મંદિર પર કાયદાકીય અડચણોને ધ્યાનમાં લઇને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં ભગવાન રામની વિરાટ મૂર્તિ સ્થાપિત કરવાની જાહેરાત કરી દીધી છે. ૧૫૧ મીટર ઉંચી પ્રતિમા બનાવવાની માહિતી આવી રહી છે ત્યારે યોગી આદિત્યનાથે પણ આની જાહેરાત કરી દીધી છે. સરયુ નદીની નજીક ભગવાન રામની પ્રતિમા માટે જગ્યા હજુ નક્કી કરવામાં આવી નથી ત્યારે રામ મંદિરને લઇને યોગીએ કહ્યું છે કે, આનો ઉકેલ પણ ટુંક સમયમાં આવશે. યોગીએ કહ્યું છે કે, રામ મંદિર અહીં હતુ અને રહેશે. સંતો દ્વારા મંદિરને લઇને દબાણ વચ્ચે મુખ્યમંત્રીએ આ મુજબની વાત કરી હતી.
બંધારણીય હદમાં રહીને જ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. દિપોત્સવના ભવ્ય આયોજન અને સરયુ નદીના કિનારે ત્રણ લાખથી વધારે દિપ પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યા બાદ યોગી આદિત્યનાથે અયોધ્યાને વિકાસની મોટી ભેંટ આપી હતી. આજે મંદિર મુદ્દા ઉપર પણ વાત કરી હતી. મંદિર નિર્માણના સંદર્ભમાં ટૂંકમાં જ નિર્ણય લેવાશે. મંગળવારના દિવસે ફૈઝાબાદનું નામ અયોધ્યા કરવાની સાથે જ એરપોર્ટ અને મેડિકલ કોલેજ બનાવવાની પણ જાહેરાત કરી હતી. આગામી થોડાક વર્ષમાં અયોધ્યાને શાનદાર નગરી તરીકે વિકસિત કરવામાં આવશે.
સંતો સાથે વાતચીત કર્યા બાદ તેમણે કહ્યું હતું કે, અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે લોકો આવે છે. આમા કોઇ શંકા નથી કે મંદિર હતુ અને રહેશે. મંદિરને ાત્ર ભવ્ય સ્વરુપ આપવામાં આવશે. સરકાર આ દિશામાં પહેલ કરી રહી છે. બંધારણીય હદમાં રહીને સમાધાન કરાશે. રામ જન્મભૂમિમાં હનુમાન ગડી સહિત મુખ્ય મંદિરોમાં દર્શન કર્યા બાદ મુખ્યમંત્રીએ આ મુજબની વાત કરી હતી. અયોધ્યામાં ચાલી રહેલા વિકાસ કામોની પણ તેમણે વાત કરી હતી. યોગીએ કહ્યું હતું કે, અયોધ્યા સાત પવિત્ર નગરો પૈકી એક છે. દિપોત્સવથી સમગ્ર વિશ્વમાં આની સંસ્કૃતિ દેખાઈ આવી છે.