અમેરિકામાં ‘ગન’ કલ્ચર સામે ઉગ્ર દેખાવો સાથે રેલી   

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમેરિકાના ફ્લોરિડાની એક સ્કૂલમાં એક વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબાર કરીને ૧૭ વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારી દીધા પછી અમેરિકામાં ગન રિફોર્મ્સની માંગે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે.  અમેરિકામાં આવા અવારનવાર થતાં ફાયરીંગમાં અનેક નિર્દોષ લોકો કમોતે મરી જતા હોય છે.  અમેરિકામાં ગન કલ્ચરનો વિરોધ કરવા અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનમાં આઠ લાખ લોકોએ એક રેલી કાઢી હતી.

આ પહેલાં વિશ્વમાં ક્યાંય આટલી મોટી રેલી યોજાઈ નથી. આ ઐતિહાસિક રેલી દરમિયાન અમેરિકામાં બંદૂકો રાખવાના કાયદા કડકમાં કડક કરવાની માગ કરાઈ હતી. અમેરિકામાં વૉશિંગ્ટન સહિત ૮૦૦થી પણ વધુ જગ્યાએ લોકોએ ગન કલ્ચર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ન્યૂયોર્કમાં પણ ૧.૭૫ લાખ લોકો વૉશિંગ્ટન રેલીને સમર્થન આપવા ભેગા થયા હતા. લોસ એન્જલસથી લઈને શિકાગો તેમજ લંડન, ટોક્યો, મુંબઇ, સિડની જેવા વિશ્વભરના ૧૦૦થી વધુ શહેરોમાં અમેરિકનોએ બંદૂકો રાખવાના કાયદામાં ઝડપી સુધારા કરવાની માગ કરી હતી.

ઉલ્લેખનીય છે કે ફ્લોરિડાના સ્કૂલ શૂટિંગ પછી અમેરિકન પ્રમુક ડોનાલ્ડ ટ્રમ્પે બંદૂકો ખરીદવાના કાયદામાં સુધારો કરવાની વાત કરી હતી. આ ઉપરાંત તેમણે બમ્પ સ્ટોક જેવા સાધનોના ખરીદારોની કડક તપાસ અને સ્કૂલ સુરક્ષામાં વધારો કરવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. આ પહેલાં અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામાની શપથવિધિમાં જંગી ભીડ ઊમટી હતી.

ત્રણ વર્ષ પહેલાં ઓરેગોનમાં નવ લોકોની હત્યા પછી ઓબામા જાહેરમાં રડી પડયા હતા. જોકે, એ વખતે અમેરિકન સંસદમાં ૭૦ ટકા સાંસદોએ બંદૂકો રાખવાના કાયદામાં ફેરફાર નહીં કરવા મત આપ્યા હતા, જેથી ગન રિફોર્મ્સ શક્ય બન્યા ન હતા. અમેરિકાના એરિઝોના સ્ટેટના ફિનિક્સ શહેરની ઘટના ગન કલ્ચરના વિરોધ અને તરફેણમાં નીકળેલી રેલીઓ સામસામે આવી અમેરિકાના મોટા ભાગના રાજ્યોમાં ગન કલ્ચર વિરુદ્ધ રેલીઓ કાઢવામાં આવી હતી. એરિઝોના સ્ટેટના ફિનિક્સમાં પણ આવી જ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે ૧૫ હજાર લોકો ઊમટયા હતા.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડામાંથી પસાર થતાં કાફલાએ ગન કલ્ચરની વિરુદ્ધમાં યોજાયેલી રેલીઓના કારણે પોતાનો રૃટ બદલવો પડયો હતો. એવું કહેવાય છે કે, ટ્રમ્પ આકરા ગન રિફોર્મ્સ કરવાના સમર્થક નથી. આ કારણસર સુરક્ષાકર્મીઓ રેલી નજીકથી પસાર થઈને કોઈ જોખમ લેવા માંગતા ન હતા.

Share This Article