અમદાવાદઃ રક્ષાબંધનના તહેવારના આડે હવે માંડ બે સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે રાખડીની અવનવી ડિઝાઇન અને લેટેસ્ટ વેરાઇટી રાખડી બજારમાં ભારે આકર્ષણ જમાવી રહી છે. બદલાતી ફેશન અને ટ્રેન્ડના યુગમાં હવે રેશમના ગોટા કે ફૂમતાની રાખડી ભુલાઇ રહી છે ત્યારે તેના સ્થાને મોતી, રુદ્રાક્ષ, માણેક, જડતર, ડાયમન્ડ, વુડન અને સિલ્વર રાખડીઓની બોલબાલા વધી છે. તો બાળકો માટેની અને નાના રમકડાવાળી ચાઇનીઝ રાખડીઓ પણ ધૂમ મચાવી રહી છે. રાખડી બજારમાં રૂ.૨૦થી લઇ બેથી પાંચ હજાર સુધીની કિંમતની રાખડી વેચાઇ રહી છે.
ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનને લઇ ખાસ કરીને બહેનો અત્યારથી જ ભારે ઉત્સાહિત બની છે. રક્ષાબંધનના દિવસે ભાઇના હાથ પર દોરાનો એક ધાગો એટલે કે, રાખડી રક્ષા સ્વરૂપે બહેન પોતાના વ્હાલા ભાઇને ભારે હેતથી અને આશીર્વાદ આપી બાંધતી હોય છે. શાસ્ત્રોક્ત કાળથી ભાઇ-બહેનના પવિત્ર અને અમર પ્રેમની આ ગાથા આજે પણ એટલી જ યથાવત્ અને સાર્થક રહી છે. શહેરના રાખડી બજારમાં પણ રક્ષાબંધનના તહેવારને લઇ એક રોનક જોવા મળી રહી છે.
રાખડી બજારમાં એક સમયે રૂ.રથી પમાં મળતી રાખડીની શરૂઆત રૂ.ર૦થી ર૦૦૦ સુધીની છે. હેન્ડમેડ રાખડીની આજે પણ બોલબાલા છે. હેન્ડમેડ રાખડીઓમાં સોપારી, રેશમનાં મોતી અને શાટિને રિબિનથી બનાવેલી રાખડીઓ વેચાણ થઇ રહી છે. હવે માત્ર રાખડી જ ખરીદવાનો ક્રેઝ રહ્યો નથી. રાખડીની સાથે કંકુ ચોખાથી સજાવેલી ડેકોરેટિવ નાની થાળી, મીઠાઇ અને લુમ્બા રાખડીનો પણ એટલો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. એક્રેલિક, રિબન્સ, ફલાવર્સ, મેટલ્સ, ચેઇન વિગરે મટીરિયલમાંથી બનતી રાખડીઓ પણ વેચાઇ રહી છે. બાળકો માટેની રાખડીઓ પણ બજારમાં ધૂમ મચાવી રહી છે. ચાઇનીઝ રાખડીઓ જેનાં નાનાં નાનાં કાર્ટૂન કરેકટર હોય અથવા નાનાં રમકડાંઓવાળી બાળકો માટેની રાખડી લેટેસ્ટ ફેશન ગણાય છે. ઓનલાઇન રાખડી શોપિંગના ભાવ બજાર કરતા બમણાં છે. ઓનલાઇન રાખડી ખરીદવી હોય તો શરૂઆત રૂ.૯૯થી થશે. જ્યારે બજારમાં તેની કિંમત રૂ.ર૦થી શરૂ થશે. અત્યારે ફેશન જ્વેલરીમાં સિલ્વરનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેના કારણે ચાંદીની રાખડી અત્યારે રૂ.પ૦૦થી રૂ.ર૦૦૦ સુધીમાં તો, સોનાની રાખડી પણ ખૂબ ઉંચી કિંમતે વેચાતી હોય છે. જા કે, બહેન માટે તો પોતાનો ભાઇ સદાય સુખી રહે અને ભગવાન તેને બધા જ સુખ આપે એ એક જ પ્રાર્થના તેના દિલમાંથી નીકળતી હોય છે. પછી ભલેને તે મોંઘીદાટ રાખડીના બદલે એક સૂતરનો તાર કે ફુલ ગોટો જ કેમ નથી બાંધતી.
રક્ષાબંધનના તહેવારમાં તો, ભાઇ અને બહેન વચ્ચેનો પવિત્ર પ્રેમ જ કેન્દ્રસ્થાને હોય છે. રાખડી તો બહેનની લાગણીઓ દોરાના તાંતણામાં વ્યકત કરવા નિમિત માત્ર હોય છે.