અમદાવાદ: આજે રવિવાની રજાના દિવસે રક્ષાબંધન અને શ્રાવણી સુદ પૂનમનો અનોખો સંયોગ સર્જાયો હોવાથી શહેરના સુપ્રસિધ્ધ જગન્નાથજી મંદિર, ડાકોર રણછોડરાયજી મંદિર, યાત્રાધામ શામળાજી સહિતના તીર્થસ્થાનોમાં શ્રધ્ધાળુ ભકતોનું ઘોડાપૂર ઉમટયું હતું. શહેરના જમાલપુર સ્થિતિ જગન્નાથજી મંદિર ખાતે બહેન સુભદ્રાજી દ્વારા ભાઇ જગન્નાથજી અને બલરામને સવારે ૧૦-૦૦ વાગ્યે રાખડી બાંધવામાં આવી હતી. આજની રક્ષાબંધન નિમિતે ભગવાન જગન્નાથજી અને ભાઇ બલભદ્રજીને સોનાની રાખડી બાંધવામાં આવી હતી.
આજે રક્ષાબંધન નિમિતે બહેન સુભદ્રાજી અને ભગવાનને વિશેષ સાજ-શણગાર કરવામાં આવ્યા હતા. તો યાત્રાધામ ડાકોર અને શામળાજી ખાતે પણ ખૂબ મોટી સંખ્યામાં રણછોડરાયજી અને શામળાજીને પ્રેમ અને ભાવ સાથે રાખડી અર્પણ કરી હતી. દરમ્યાન જગન્નાથજી મંદિર ખાતે મહંત દિલીપદાસજી મહારાજને હિન્દુ બહેનોની સાથે સાથે મુસ્લિમ બહેનો દ્વારા ભારે હેત સાથે રાખડી બાંધવામાં આવી હતી, જેને લઇ કોમી એકતા અને ભાઇચારાના અનોખા દ્રશ્યો જાવા મળ્યા હતા. મંદિરના મહંત દિલીપદાસજીને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝા દ્વારા રાખડી બાંધવામાં આવી હતી તો, મહેન્દ્રભાઇ ઝાને મહંત શ્રી દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી હતી.
તો આજે શહેર સહિત રાજયભરના મંદિરોમાં પણ રક્ષાબંધન પર્વને લઇ ખાસ પૂજા, આરતી અને પૂજાનું વિશેષ આયોજન કરાયું હતું. તો, કૃષ્ણમંદિરોમાં હિંડોળાના સુંદર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્ષાબંધનના આજના તહેવાર નિમિતે વહેલી સવારે ૧૦-૦૦ વાગ્યે બહેન સુભદ્રાજી દ્વારા ભાઇ જગન્નાથજી અને બલરામને સુવર્ણ રાખડી બાંધવામાં આવી હતી. આજની પૂનમ નિમિતે જગન્નાથજી મંદિરમાં વિશેષ આરતી-પૂજા અને પ્રસાદનું આયોજન પણ કરાયું હતું. બીજીબાજુ, શ્રાવણી પૂનમને લઇ સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર અને શામળાજી ખાતે રક્ષાબંધનના પર્વની ભારે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શ્રધ્ધાળુ બહેનો ખૂબ મોટી સંખ્યામાં રણછોડરાયજી અને શામળાજીને રાખડી બાંધવા માટે ઉમટી પડી હતી.
બહેનોએ ભારે હેત અને ભાવ સાથે ભગવાન રણછોડરાયજી અને શામળાજીને રાખડી અર્પણ કરવામાં આવી હતી. પૂનમને લઇ આજે ડાકોર અને શામળાજીમાં ભકતોનું ઘોડાપૂર ઉમટયું હતું. મોડી રાત સુધી ભકતોએ રણછોડરાયજી અને શામળાજીના દર્શન માટે પડાપડી કરી હતી. રક્ષાબંધનને લઇ આજે અમદાવાદ શહેર સહિત રાજયભરના મંદિરોમાં ભકતોની ભારે ભીડ જામી હતી.