અમદાવાદઃ શહેરમાં ભયજનક મકાનો પડી જવાનો સિલસિલો ચાલી રહ્યો છે. થોડાક દિવસ પહેલાં ઓઢવમાં ગરીબ આવાસ યોજનાના શિવમ્ ફ્લેટના સી બ્લોકના ૨૩ અને ૨૪ નંબરના બ્લોક ધરાશાયી થયા હતા, ત્યારે ગઇકાલે વહેલી પરોઢે રખિયાલ વિસ્તારમાં આવેલ સરકારી વસાહત સોનારિયા બ્લોકના મકાનની એક છત પડી જતાં દોડધામ મચી ગઇ હતી.
સોનારિયા બ્લોકની છત તૂટી પડવાની આ ઘટનામાં બે લોકો ઘાયલ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. તો બીજીબાજુ, ઓઢવ દુર્ઘટના બાદ આજે સોનારિયા બ્લોકની આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભય અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. છત તૂટી પડવાની આજની આ ઘટનામાં બે લોકોને ઇજા પહોંચતાં તેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. જો કે, આ સરકારી વસાહતની હાલત એટલી જર્જરીત છે કે અહીં રહીશો જીવના જોખમે રહે છે.
રખિયાલ વિસ્તારમાં ૭૫ વર્ષ જૂના સરકારી આવાસ યોજનાની સોનારિયા બ્લોક વસાહત આવેલી છે. જેમાં પાંચ હજારથી વધુ લોકો રહે છે. સોનારિયા વસાહતના૧૮ નંબરના બ્લોકની છત એકાએક પડી જતાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં બે લોકોને ઇજા પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઓઢવ વિસ્તારમાં ગરીબ આવાસ યોજનાના શિવમ્ ફ્લેટના બે બ્લોક ધરાશાયી થયા હતા, તેનાં કરતાં પણ ખરાબ હાલત સોનારિયા બ્લોકની છે. સોનારિયા બ્લોકની સ્થિતિ જોતાં ગમે ત્યારે બિલ્ડિંગ ધરાશાયી થાય તેવી સ્થાનિક રહીશોમાં દહેશત છે. બિલ્ડિંગ એ હદે જર્જરીત છે કે રહીશો રહેવા માટે પણ તૈયાર નથી.
ઓઢવમાં બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં ભયજનક મકાનોનો સર્વે શરૂ કરી દેવાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં એક મકાન અને બે છત ધરાશાયી થવાના બનાવ બન્યા છે. જેમાં બે વ્યકિતઓનાં મોત થયાં છે. ચાર કરતાં વધુ લોકો ઘાયલ થયા છે. ઓઢવમાં બે બિલ્ડિંગ ધરાશાયી બાદ દરિયાપુરમાં મકાન ધરાશાયી થઇ ગયું હતું ત્યારબાદ ગઇકાલે દાણીલીમડામાં એક છત પડી જતાં મહિલાનું મોત થયું હતું. એ પછી આજે વહેલી પરોઢે સોનારિયા બ્લોકની છત પડી જતાં બે લોકો ધાયલ થયા હતા. આ બનાવને પગલે સ્થાનિક રહીશો સોનારિયા બ્લોકની જર્જરિત હાલત વચ્ચે હવે રહેવાથી ડરી રહ્યા છે, અમ્યુકો સત્તાવાળાઓ પણ સોનારિયા બ્લોકની તાજી સ્થિતિ અંગેનો તાગ મેળવ્યો હતો.