અમદાવાદ: અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત રાજયની રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ સહિતની જેલોમાં આજે રક્ષાબંધનના તહેવારને લઇ બહેનો પોતાના કેદી ભાઇઓને રાખડી બાંધવા ખૂબ મોટી સંખ્યામાં ઉમટી હતી. સાબરમતી જેલ સહિત વિવિધ જેલોમાં બહેનોએ રડતી આંખોએ જયારે પોતાના કેદી ભાઇઓને રાખડી બાંધી ત્યારે એક તબક્કે લાગણીસભર અને હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. બહેનોએ પોતાના ભાઇઓની જેલમાંથી જલ્દી મુકિત માટે અને તેના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી તો, બીજીબાજુ, કેદી ભાઇઓએ પણ બહેનને તે ખૂબ ખૂબ સુખી થાય તે માટે પ્રાર્થના કરી આશીર્વાદ આપ્યા હતા. ભાઇ-બહેનના અશ્રુભર્યા રાખીમિલનને જાઇ એક તબક્કે જેલોના જેલ સ્ટાફ અને સુરક્ષા જવાનોની આંખો પણ ભીની થઇ હતી. શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત રાજયના વડોદરા, રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર સહિતની જેલોમાં પોતાના કેદી ભાઇઓને રાખડી બાંધવા આજે વહેલી સવારથી જ બહેનો જેલ પ્રાંગણમાં ઉમટી હતી. જેના કારણે જેલોની બહાર આજે બહેનોની લાંબી લાઇનો નજરે પડતી હતી. બહેનો હાથમાં રાખડી, મીઠાઇના પેકેટ અને કંકુ-ચોખાની કંકાવટી લઇ ઉભેલી હરખાતી નજરે પડતી હતી પરંતુ સાથે સાથે પોતાનો ભાઇ જેલમાં હોવાની વેદના અને કરૂણા પણ બહેનોના ચહેરા પર વર્તાતી હતી. જેલ સત્તાવાળાઓ તરફથી બહેનો પોતાના કેદી ભાઇઓને સારી રીતે રાખડી બાંધી શકે અને તેમની સાથે વ્યવસ્થિત રીતે વાતચીત કરી શકે તે માટે સમયની અનુકૂળતા આપવા સહિતની સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત વિવિધ જેલોમાં બહેનોએ પોતાના વ્હાલસોયા ભાઇઓને જયારે રડતી આંખોએ રાખડી બાંધી તેને આશીર્વાદ આપ્યા ત્યારે કેદીભાઇઓ પણ પોતાના આંસુઓને રોકી શકયા ન હતા અને તેમની આંખો પણ ભીની થઇ ગઇ હતી. બહેનોએ કેદી ભાઇઓના માથે કંકુનો ચાંલ્લો કરી, ચોખા લગાવી ભારે હેત અને પ્રેમથી રાખડી બાંધી હતી અને મીઠાઇ ખવડાવી તેનું મોં મીઠું કરાવ્યું હતું. બહેનોએ પોતાના ભાઇઓેને જેલમાંથી જલ્દી મુક્ત મળે તેમ જ લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી તો, ભાઇઓએ પણ પોતાની વ્હાલસોયી બહેનને ગળે લગાવી તેનો ખૂબ આભાર માની તેને હૃદયપૂર્વકના આશિષ આપ્યા હતા કે, ભગવાન તેને ખૂબ ખૂબ સુખી કરે.
ભાઇ-બહેનના આજના પવિત્ર મિલનને લઇ સાબરમતી જેલ સહિત વિવિધ જેલોમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. એક તબક્કે ખુદ જેલ કર્મચારીઓ અને સુરક્ષા જવાનોની આંખો પણ ભીની થઇ આવી હતી. સાબમરતી જેલ સહિતની વિવિધ જેલોના સત્તાધીશો દ્વારા રક્ષાબંધનના તહેવારને લઇ બહેનો અને કેદીભાઇઓ માટે રાખડીપર્વ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેને લઇ બહેનો અને કેદીભાઇઓએ જેલ પ્રશાસનનો ખૂબ આભાર માન્યો હતો.