નવી દિલ્હીઃ રક્ષાબંધન અને ગણેશ ચતુર્થી સહિત અનેક તહેવાર નજીક આવી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે ઘણી ચીજોને જીએસટીમાંથી મુક્તિ આપી દીધી છે. રાખડી અને ગણેશજીની મૂર્તિઓને જીએસટીમાંથી રાહત આપવામાં આવી છે.
આ સંદર્ભમાં આજે કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયેલે વાત કરી હતી. તમામ પ્રકારની મૂર્તિઓ, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલુમની ચીજવસ્તુઓને જીએસટીની બહાર કરી દેવામાં આવી છે. આ સંદર્ભમાં લોકો જુદી જુદી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. જીએસટી કાઉન્સિલની ૨૧મી જુલાઈના દિવસે પણ બેઠક યોજાઈ હતી, જેમાં અનેક મહત્વના નિર્ણય લેવાયા હતા. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની ૨૧મી જુલાઈ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં અનેક ચીજો પર રાહત આપવાની જાહેરાત કરાઈ હતી. સેનેટરી નેપકિનને ટેક્સ મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અન્ય ચીજો ઉપરથી પણ ટેક્સ ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે લેવામાં આવેલા તમામ નિર્ણય ૨૭મી જુલાઈથી અમલી કરવામાં આવશે.
જીએસટી કાઉન્સીલની બેઠક હાલના નાણામંત્રી પિયુષ ગોયલના નેતૃત્વમાં યોજાઈ હતી. બેઠક બાદ પિયુષ ગોયલે કહ્યું હતું કે સેનેટરી નેપકિન ઉપરાંત સ્ટોન, માર્બલ, રાખડી, સાલના પત્તા ઉપર કોઈ ટેક્સ લાગુ થશે નહીં. આ ઉપરાંત ૧૦૦૦ રૂપિયા સુધીના ફુટવેર પર હવે પાંચ ટકા ટેક્સ લાગુ થશે. પહેલા આ રકમ ૫૦૦ રૂપિયાની હતી. ઉપરાંત લિથિયમ, આયર્ન બેટરી, વેક્યુમ ક્લિનર, ફુડ ગ્રાઈન્ડર, મિક્સર, સ્ટોરેજ વોટર હિટર, ડ્રાયર, પેઈન્ટ, વોટર કુલર, મિલ્ક કુલર, આઈસ્ક્રીમ કુલર્સ, પરફ્યુમ, ટોયલેટ સ્પ્રેને ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાંથી હટાવીને ૧૨ ટકાના ટેક્સ સ્લેબમાં મુકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં ટીવી, ફ્રિઝ, એસી સહિત કન્ઝ્યુમર ચીજવસ્તુઓ સહિત ૧૦૦ પ્રોડક્ટ પર ટેક્સ ઘટાડાયો હતો.