નવી દિલ્હી: સીબીઆઈના નંબર-૨ સ્પેશિયલ ડિરેકટર રાકેશ અસ્થાના પર ત્રણ કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં એફઆઈઆર દાખલ કરવામાં આવ્યા બાદ ભારે ખળભળાટ મચેલો છે. એફઆઈઆર દાખલ કરવામાં આવેલ તે પહેલા જ અસ્થાનાએ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી)ને પત્ર લખીને સીબીઆઈ ડિરેકટર પર ફસાવી દેવાના કાવતરા ઘટડવાનો આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે સીબીઆઈ ડિરેકટર આલોક વર્માએ એન્ટીકરપ્શન બ્રાંચના દાખલ કરવામાં આવેલા કેસમાં તેમને ફસાવવા માટે જાણી જાઈને એવા અધિકારીની નિમણૂંક કરી છે જેમની છાપ પણ બેદાગ રહી નથી. અસ્થાનાએ લખ્યું છે કે સીબીઆઈ ચીફ તેમને ફસાવી રહ્યા છે.
અસ્થાનાએ એવો આક્ષેપ પણ કર્યો છે કે તપાસ ટીમમાં અજય બસ્સીને કાવતરાના ભાગરૂપે સામેલ કરવામાં આવ્યા છે. પત્રમાં બસ્સીના સંદર્ભમાં અસ્થાનેએ લખ્યું છે કે તેમની છાપ શંકાસ્પદ છે અને તેઓ નિયમો તોડવા માટે કુખ્યાત રહ્યા છે. ૧૫મી ઓકટોબરના દિવસે સીબીઆઈના સ્પેશિયલ ડિરેકટરે સીવીસીને પત્ર લખીને પોતાની સુરક્ષા માટે રજુઆત કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે તેમને અને તેમના પરિવારના સભ્યોની કોલ ડિટેઈલમાં તપાસ કરવામાં આવી રહી છે. બસ્સી, અશ્વિની ગુપ્તા, સ્ટાફ ઓફિસર અને એડિશનલ ડિરેકટર એ.કે. શર્મા દબાણમાં આવીને તેમને ફસાવવાનું કામ કરી રહ્યા છે. અસ્થાને લખ્યું છે કે આ ત્રણેય અધિકારીઓ દબાણમાં છે.
પાંચ હજાર કરોડ રૂપિયાના સ્ટ‹લગ બાયોટેક કેસમાં તેમની કોઈપણ પ્રકારની ભૂમિકાની તપાસ માટે તેમને જવાબદારી સોંપવામાં આવી હતી. જેના ભાગરૂપે ઘણા અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સીબીઆઈની એફઆઈઆરમાં રાકેશ અસ્થાનાની સાથે તેમના જુનિયર અધિકારી ડીએસપી દેવેન્દ્રકુમારના નામનો પણ સમાવેશ કરાયો છે. સીબીઆઈના સ્પેશિયલ ડિરેકટરે ૨૪મી ઓગસ્ટના દિવસે કેબિનેટ સચિવની સાથે થયેલી મુલાકાતમાં વર્મા પર સના પાસેથી બે કરોડ રૂપિયાની લાંચનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.